હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે કેરલામાં ચોમાસાનું વહેલું કે મોડું આગમન દેશમાં વધુ કે ઓછો વરસાદ થવા માટે જવાબદાર નથી
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ૨૭ મેએ કેરલા પહોંચી શકે છે. સામાન્ય રીતે ચોમાસું પહેલી જૂન સુધીમાં કેરલા પહોંચે છે, પરંતુ આ વખતે એ કેરલા વહેલું પહોંચવાની ધારણા છે. જો ૨૭ મે સુધીમાં ચોમાસું કેરલામાં આવી જશે તો એ ૨૦૦૯ પછીનું સૌથી પહેલું ચોમાસું હશે. હવામાન વિભાગે એપ્રિલની આગાહીમાં આશા વ્યક્ત કરી છે કે ૨૦૨૫માં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. આ કારણે અલ નીનોની અસર નકારી કાઢવામાં આવી રહી છે, કારણ કે અલ નીનોની અસરને કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડે છે.
હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે કેરલામાં ચોમાસાનું વહેલું કે મોડું આગમન દેશમાં વધુ કે ઓછો વરસાદ થવા માટે જવાબદાર નથી. આમાં બીજાં ઘણાં પરિબળો સામેલ છે. તાજેતરમાં હવામાન વિભાગે કહ્યું હતું કે આ વર્ષે ચોમાસું દક્ષિણ આંદામાન સમુદ્ર, બંગાળની ખાડીના કેટલાક ભાગો અને નિકોબાર ટાપુઓમાં ૧૩ મેએ જ આગળ વધી શકે છે. સામાન્ય રીતે આ ૨૦ મેની આસપાસ થાય છે, પરંતુ આ વખતે એ એક અઠવાડિયું વહેલું થઈ રહ્યું છે.


