પહલગામ હુમલા પર RSSના વડા મોહન ભાગવતની પ્રતિક્રિયા
મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે પહલગામના આતંકવાદી હુમલાના સંદર્ભમાં નિવેદન આપ્યું હતું. એમાં તેમણે કહ્યું હતું કે ‘વર્તમાન સંઘર્ષ ધર્મ અને અધર્મ વચ્ચેનો છે અને ફક્ત કોઈ સંપ્રદાય કે ધર્મના નામે નથી. જે લોકો તેમના ધર્મ વિશે પૂછીને લોકોને મારી નાખે છે તેઓ કટ્ટરપંથી છે અને આવું વર્તન રાક્ષસી વૃત્તિનું સૂચક છે.’
આતંકવાદ સામે કાર્યવાહી પર ભાર મૂકતાં મોહન ભાગવતે કહ્યું હતું કે ‘જો આપણી પાસે શક્તિ છે તો આપણે એ બતાવવી પડશે. ભારતીય સૈનિકોએ કે નાગરિકોએ ક્યારેય કોઈનો ધર્મ પૂછીને હત્યા નથી કરી. હિન્દુઓ ક્યારેય ધર્મ પૂછ્યા પછી હત્યા નથી કરતા. આપણા હૃદયમાં પીડા છે. આપણે ગુસ્સામાં છીએ, પણ દુષ્ટતાનો નાશ કરવા માટે શક્તિ બતાવવી પડશે. જો રાવણ પોતાનો ઇરાદો ન બદલે તો બીજો કોઈ વિકલ્પ નહોતો. રામે તેને સુધરવાની તક આપી અને પછી તેને માર્યો હતો. રાવણ ભગવાન શિવનો ભક્ત હતો, વેદ જાણતો હતો; પરંતુ તેનું મન અને બુદ્ધિ પરિવર્તન માટે તૈયાર નહોતાં. રામે આવા રાક્ષસનો અંત લાવ્યો, કારણ કે ક્યારેક પરિવર્તન માટે વિનાશ જરૂરી હોય છે. રાક્ષસી વૃત્તિઓ ધરાવતા લોકોનો અંત જરૂરી છે.’

