આ મામલે યુનિવર્સિટી પ્રશાસને ગર્લ્સ હોસ્ટેલની વોર્ડન રાજવિંદર કૌરને પણ વિદ્યાર્થિનીઓ સાથેના કથિત ગેરવર્તન બદલ સસ્પેન્ડ કરી દીધા છે.

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ ( તસવીર: PTI)
પંજાબના મોહાલી (Mohali)માં આવેલી એક ખાનગી યુનિવર્સિટી (ચંદીગઢ યુનિવર્સિટી)ની ગર્લ્સ હોસ્ટેલમાંથી કથિત રીતે વાંધાજનક વીડિયો લીક થવાના મામલે (Mohali MMS Leak Case) કાર્યવાહીની માગણી કરતા વિદ્યાર્થીઓના ભારે વિરોધને પગલે યુનિવર્સિટી (Chandigarh University)ને શનિવાર સુધી બંધ કરી દેવામાં આવી છે. આ સિવાય યુનિવર્સિટી પ્રશાસને ગર્લ્સ હોસ્ટેલની વોર્ડન રાજવિંદર કૌરને પણ વિદ્યાર્થિનીઓ સાથેના કથિત ગેરવર્તન બદલ સસ્પેન્ડ કરી દીધા છે.
હોસ્ટેલ વોર્ડન, જે એક વાયરલ વિડિયોમાં ધરપકડ કરાયેલા વિદ્યાર્થીનીને ઠપકો આપતી જોવા મળે છે, તેણે તાત્કાલિક પોલીસને આ બાબતની જાણ કરી ન હતી. ધરપકડ કરાયેલી વિદ્યાર્થીની પર આરોપ છે કે તેણે કથિત રીતે યુનિવર્સિટીની બહાર તેના પુરૂષ મિત્રને વીડિયો મોકલ્યો હતો. જ્યારે વિદ્યાર્થીઓએ આ ઘટનાનો વિરોધ કરવાનું શરૂ કર્યું તો હોસ્ટેલના વોર્ડને કથિત રીતે વિદ્યાર્થિનીઓ પર ગુસ્સો કર્યો હોવાનો આક્ષેપ છે.
મોહાલીના ટોચના પોલીસ અધિકારી નવપ્રીત સિંહ વિર્કે ગઈકાલે સાંજે જણાવ્યું હતું કે પંજાબના મોહાલીમાં ચંદીગઢ યુનિવર્સિટીની હોસ્ટેલમાં છોકરીઓના અશ્લીલ વિડિયો રેકોર્ડ કરવા અને રિલીઝ કરવાના આરોપમાં એક વિદ્યાર્થિનીના ફોનમાંથી માત્ર ચાર વીડિયો જ મળ્યા છે, પરંતુ તે બધા એક મહિલાના છે. જે તેણીએ તેના પ્રેમીને મોકલ્યા હતા.
તેમણે કહ્યું કે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના દાવા પ્રમાણે યુનિવર્સિટીમાં આત્મહત્યાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. તેમનો દાવો છે કે જે વીડિયો પ્રસારિત કરવામાં આવી રહ્યાં છે, તે હજી સુધી મળ્યા નથી.
ચંદીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પોલીસના તારણોને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે કે વિદ્યાર્થીએ હોસ્ટેલના બાથરૂમમાં અન્ય મહિલાઓના અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યા હોવાના કોઈ પ્રથમદર્શી પુરાવા નથી. જોકે હવે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો વિરોધ શમી ગયો છે.