ભારતમાં ગંગા ફક્ત એક નદી નથી, એ લોકોની શ્રદ્ધા સાથે સંકળાયેલી છે. લોકો એની પૂજા કરે છે. ગંગા નદી ભારતની આધ્યાત્મિક જીવનરેખા છે.
નંદિની ગુપ્તા
તેલંગણના હૈદરાબાદમાં યોજાયેલી મિસ વર્લ્ડની ગ્રૅન્ડ ફિનાલેમાં મિસ ઇન્ડિયા નંદિની ગુપ્તા ટૉપ ૮માં પણ પહોંચી શકી નહોતી એટલે આ ટાઇટલ જીતવાનું ભારતનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું, પણ ફિનાલે વખતે તેણે પહેરેલું ‘ગંગા રાઇઝિંગ’ ગાઉન ચર્ચામાં છે. આ ગાઉન ભારતની પવિત્ર ગંગા નદીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું હતું. ભારતમાં ગંગા ફક્ત એક નદી નથી, એ લોકોની શ્રદ્ધા સાથે સંકળાયેલી છે. લોકો એની પૂજા કરે છે. ગંગા નદી ભારતની આધ્યાત્મિક જીવનરેખા છે.
આ ગાઉન વિશે સોશ્યલ મીડિયા પોસ્ટમાં નંદિની ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘આ ગાઉનની ડિઝાઇન પાણી અને પ્રકાશની અલૌકિક સુંદરતાને શ્રદ્ધાંજલિ આપે છે. ગંગા ફક્ત એક નદી નથી પરંતુ સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેની પવિત્ર કડીનું દૈવી સ્વરૂપ છે. ગાઉનમાં બે સતત ગતિશીલ, સતત બદલાતી શક્તિઓ પાણી અને પ્રકાશને જોડ્યાં છે જે સમગ્ર ગાઉનમાં એકબીજા સાથે જોડાયેલાં છે. સવારના ઝાકળ જેવા નાજુક અર્ધપારદર્શક કાપડમાંથી બનાવેલા ગાઉનમાં વહેતા તરંગ જેવી પૅટર્ન છે જે શરીરને સુંદરતાથી આકાર આપે છે અને પાણી સરળતાથી વહેતું હોય એવી અનુભૂતિ આપે છે.’
ADVERTISEMENT
એક જળ દેવી દેખાય છે
આ ગાઉનને વધુ સુંદર બનાવવા માટે ડિઝાઇનરે મોતી, ઝાંખા અને પીગળતા ટીપા જેવા દોરાનો ઉપયોગ કર્યો છે જે ગાઉનનું આકર્ષણ વધારે છે. દરેક મોતી ઊર્જાના દરેક સ્રોતનું પ્રતિનિધિત્વ કરે છે. બ્લુ મોતી શુદ્ધતાનું પ્રતીક છે, જ્યારે સફેદ મોતી શાંતિ અને અન્ય દૈવી ઊર્જાનું પ્રતીક છે. નંદિની ગુપ્તા આ ગાઉન પહેરીને સ્ટેજ પર આવી ત્યારે એવું લાગતું હતું કે આપણે કોઈ જળદેવીને જોઈ રહ્યા છીએ જે તેની શુદ્ધતા, શક્તિ અને ઊર્જા દર્શાવે છે.
કોણ છે ડિઝાઇનર?
નંદિની ગુપ્તાનું આ ગાઉન પ્રખ્યાત વિયેટનામી ફૅશન-ડિઝાઇનર ન્ગ્યુએન ટિએન ટ્રુયેને ડિઝાઇન કર્યું છે. આ ફૅશન-ડિઝાઇનર ખૂબ પ્રખ્યાત છે.
નંદિની ગુપ્તા કોણ છે?
નંદિની ગુપ્તાનો જન્મ ૨૦૦૩ની ૧૩ સપ્ટેમ્બરે રાજસ્થાનના કોટા શહેરમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ કોટાની સેન્ટ પૉલ સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી પૂરું કર્યા બાદ તે હાલમાં મુંબઈની લાલા લજપતરાય કૉલેજમાં બિઝનેસ મૅનેજમેન્ટમાં ગ્રૅજ્યુએશન કરી રહી છે. ૨૦૨૩માં તેણે ફેમિના મિસ રાજસ્થાનનો ખિતાબ જીત્યો હતો અને એ જ વર્ષે તેણે ફેમિના મિસ ઇન્ડિયા ૨૦૨૩નો ખિતાબ પણ જીત્યો હતો.


