અરવિંદ કેજરીવાલ સાથેની મીટિંગ બાદ મમતા બૅનરજીએ આમ કહીને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો

કલકત્તામાં ગઈ કાલે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન સાથે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી. તસવીર પી.ટી.આઇ.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ગઈ કાલે પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બૅનરજીને માત્ર એક મેસેજ સાથે મળ્યા હતા કે આજે જે દિલ્હીમાં થયું છે એ આવતી કાલે વિરોધ પક્ષ દ્વારા શાસિત બીજાં કોઈ પણ રાજ્યમાં બની શકે છે. કેજરીવાલે કહ્યું હતું કે જો દિલ્હીના બ્યુરોક્રેટ્સની સર્વિસિસ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવનારા ખરડાને રાજ્ય સભામાં અટકાવવામાં આવશે તો એ ૨૦૨૪ પહેલાં સેમી ફાઇનલ રહેશે. આ મીટિંગ બાદ કેજરીવાલે કહ્યું હતું કે ‘કન્ટ્રોલ માટેની આ લડાઈ માત્ર દિલ્હી વિશે નથી. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પણ એમ જ કરે છે. ભગવંત માન પણ એવો જ આરોપ મૂકે છે. તામિલનાડુના મુખ્ય પ્રધાને મને જણાવ્યું હતું કે રાજ્યપાલે અનેક બિલ્સ અટકાવી દીધાં છે.’
બૅનરજીએ કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટે અનેક વર્ષો બાદ મજબૂત ચુકાદો આપ્યો છે, પરંતુ આખરે કેન્દ્ર સરકાર વટહુકમ, રાજ્યપાલ અને લેટર્સ દ્વારા તમામ રાજ્યો પર શાસન કરે છે. તેઓ ચુકાદાને માન આપવા ઇચ્છતા નથી. બીજેપી શું માને છે? શું અમે તેમના નોકર છીએ? અમને એ વાતની ચિંતા છે કે તેઓ કદાચ બંધારણ બદલી શકે છે. તેઓ બંધારણ પર બુલડોઝર ફેરવી
દેવા માગે છે. આ બુલડોઝરની, બુલડોઝર દ્વારા અને બુલડોઝર માટેની સરકાર છે.’
વિપક્ષો સંસદભવનના ઉદ્ઘાટનના કાર્યક્રમનો કદાચ બહિષ્કાર કરશે
નવા સંસદભવનનું ઉદ્ઘાટન વડા પ્રધાને નહીં, પરંતુ રાષ્ટ્રપતિએ કરવું જોઈએ એવી વિપક્ષો તરફથી માગણી કરવામાં આવી રહી છે ત્યારે અનેક પૉલિટિકલ પાર્ટીઓના નેતાઓએ ૨૮ મેએ સંસદભવનના ઉદ્ઘાટન માટેના કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. સોર્સિસ અનુસાર વિપક્ષો ટૂંક સમયમાં જ એક જૉઇન્ટ સ્ટેટમેન્ટ ઇશ્યુ કરશે. તૃણમૂલ કૉન્ગ્રેસ અને કમ્યુનિટી પાર્ટી ઑફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે તેઓ આ કાર્યક્રમમાં સામેલ નહીં થાય.