આવો દાવો કરીને વારાણસીમાં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ વધારવાની માગણી કરવામાં આવી, પણ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના વારાણસી લોકસભા મતદારસંઘમાં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ ૧૪ મેને વધારવાની માગણી કરતી એક અરજીને સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ફગાવી દીધી હતી. જસ્ટિસ વિક્રમ નાથના વડપણા હેઠળની બેન્ચે આ અરજીને પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન ગણાવીને એને ફગાવી હતી.
આ અરજી નૅશનલ સાઉથ ઇન્ડિયન રિવર ઇન્ટરલિન્કિંગ ફાર્મર્સ અસોસિએશનના તામિલનાડુ એકમના પ્રમુખ પી. અય્યાકન્નુએ કરી હતી. અરજદારે એવો દાવો કર્યો હતો કે તેને અને તેના સાથીદારોને ગેરકાયદે, ઇરાદાપૂર્વક અને ઉદ્ધતાઈપૂર્વક વારાણસી મતદારસંઘમાં ઉમેદવારી નોંધાવવામાંથી રોકવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
અરજદાર વતી ઍડ્વોકેટ એસ. મહેન્દ્રને આરોપ લગાવ્યો હતો કે અય્યાકન્નુ અને અન્ય ખેડૂતોને ટ્રેનમાંથી ગેરકાયદે ઉતારી દેવામાં આવ્યા હતા અને ૧૦ મેએ તેમને પોલીસે અટકમાં લીધા હતા.
તેમણે દાવો કર્યો હતો કે સાંજે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા જેની પાછળ એક જ કારણ હતું કે વડા પ્રધાન આ મતદારસંઘમાંથી ચૂંટણી લડી રહ્યા હતા.
અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીમાં ચૂંટણી લડવા માટે આશરે ૧૦૦ ખેડૂતો કાશી તામિલ એક્સપ્રેસમાં તિરુચીથી બનારસ જઈ રહ્યા હતા અને તેમને ચેંગલપટ્ટુમાં ઉતારી દઈને પાછા તિરુચી મોકલી દેવામાં આવ્યા હતા.
પિટિશનમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અસોસિએશને એવી જાહેરાત કરી હતી કે ખેડૂતોની માગણીઓ પૂરી કરવામાં વડા પ્રધાન નિષ્ફળ નીવડ્યા છે અને એનો વિરોધ કરવા માટે ૧૧૧ ખેડૂતો વારાણસીમાં મોદી સામે ચૂંટણી લડશે. ખેડૂતોની માગણી છે કે તેમના ખેતઉત્પાદનની સરખી કિંમત મળવી જોઈએ અને પાક માટે લેવામાં આવેલી તમામ લોન માફ કરવી જોઈએ.

