કેદારનાથ ધામ સહિત ઉત્તરાખંડમાં અનેક જગ્યાએ ગઈ કાલે વરસાદ અને બરફ પડ્યો
ફાઇલ તસવીર
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો શનિવારથી આરંભ થઈ ગયો છે. ગંગોત્રી અને યમુનોત્રીનાં કપાટ ૨૨ એપ્રિલે ખૂલી ગયાં છે. કેદારનાથ ધામનાં કપાટ ૨૫ એપ્રિલે, જ્યારે બદરીનાથ ધામનાં કપાટ ૨૭ એપ્રિલે ખૂલી જશે. યાત્રાળુઓમાં ચારધામ યાત્રાને લઈને ભારે ઉત્સાહ છે ત્યારે કેદારનાથ ધામ સહિત ઉત્તરાખંડમાં અનેક જગ્યાએ ગઈ કાલે વરસાદ અને બરફ પડ્યો હતો. ખરાબ હવામાનના કારણે હરિદ્વાર અને હૃષીકેશમાં કેદારનાથ યાત્રા માટે યાત્રાળુઓનું રજિસ્ટ્રેશન ૩૦ એપ્રિલ સુધી અટકાવી દેવામાં આવ્યું હતું. ઑનલાઇન રજિસ્ટ્રેશન પણ અટકાવાયું છે.
દેશના જુદા-જુદા વિસ્તારોમાંથી ઉત્તરાખંડમાં જતા યાત્રાળુઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ યાત્રા પર જતાં પહેલાં આ વાતને ધ્યાનમાં રાખે.
ADVERTISEMENT
હવામાન વિભાગે ખરાબ હવામાનની આગાહી કર્યા બાદ રાજ્ય સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદ પછી બરફ પડવાના કારણે ભેખડો ધસી પડવાથી ગંગોત્રી, બદરીનાથ નૅશનલ હાઇવે પર અમુક ભાગમાં અવરજવર બંધ થઈ છે. કેદારનાથ ધામમાં એક દિવસમાં ૧૫,૦૦૦ યાત્રાળુઓને દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
સરકારે હરિદ્વાર અને હૃષીકેશ સ્થિત ઑફલાઇન રજિસ્ટ્રેશન કાઉન્ટર્સ પર રજિસ્ટ્રેશન સંપૂર્ણપણે બંધ કર્યું છે. રજિસ્ટ્રેશન રોકવામાં આવ્યા બાદ ફક્ત એ જ યાત્રાળુઓને ધામમાં પહોંચીને દર્શન કરવાની પરમિશન આપવામાં આવશે કે જેઓ પહેલાં રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.


