હોટેલોમાં પ્રી-બુકિંગ કરાવનાર યાત્રાળુઓ કૉલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકશે, ૩૦ એપ્રિલ સુધી કેદારનાથ હેલી સર્વિસની ટિકિટ ફુલ થઈ ગઈ
કેદારનાથ
ચારધામ યાત્રા દરમ્યાન શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન થાય એ માટે સતત કોશિશ કરવામાં આવી રહી છે. હવે જે શ્રદ્ધાળુઓએ ચારધામ યાત્રાના રૂટ પરની હોટેલો, હોમ-સ્ટે કે ગેસ્ટહાઉસમાં પ્રી-બુકિંગ કરાવ્યું હોય તેમને ટોલ-ફ્રી નંબર પર રજિસ્ટ્રેશનની વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવશે. કેદારનાથ, બદરીનાથ, ગંગોત્રી, યમનોત્રી ધામની યાત્રા માટે અનેક શ્રદ્ધાળુઓએ પહેલાંથી જ હોટેલોનું બુકિંગ કરાવી લીધું છે, પરંતુ તેમનું ચારધામ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન થઈ શક્યું નથી.
ઉત્તરાખંડ ટૂરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલે હોટેલો, હોમ-સ્ટે અને ગેસ્ટહાઉસ બુક કરાવનારા યાત્રાળુઓ માટે રજિસ્ટ્રેશનની સુવિધા શરૂ કરી છે. તેમને માટે એક કૉલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. યાત્રાળુઓ ૦૧૩૫-૩૫૨૦૧૦૦ પર કૉલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ચારધામ યાત્રાના માર્ગમાં ૫૦ હેલ્થ એટીએમ રહેશે
નોંધપાત્ર છે કે કેદારનાથ ધામનાં કપાટ ૨૫ એપ્રિલે ખૂલવાનાં છે. કેદારનાથ ધામનાં દર્શન માટે શ્રદ્ધાળુઓના ઉત્સાહનો અંદાજ એ વાતથી આવી શકે છે કે ૩૦ એપ્રિલ સુધી કેદારનાથ હેલી સર્વિસની ટિકિટ ફુલ થઈ ગઈ છે. આઇઆરસીટીસી પર ૨૫થી ૩૦ એપ્રિલ દરમ્યાનની હેલિકૉપ્ટરની ટિકિટ બચી નથી. લગભગ ૬૨૬૩ શ્રદ્ધાળુઓએ બુકિંગ કરાવ્યું છે.
શરૂઆતમાં આઇઆરસીટીસીની વેબસાઇટ પર લોકોને પેમેન્ટ કરવામાં ટેક્નિકલ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ૩૦ એપ્રિલ પછીની ટિકિટના સ્લૉટ્સ હજી નક્કી કરવામાં આવ્યા નથી. હવે ટિકિટની બુકિંગ માટે શ્રદ્ધાળુઓ આગામી તારીખની રાહમાં છે.


