આવતી કાલથી શરૂ થનારી યાત્રા માટે યમુનોત્રીનાં દર્શનના મે મહિનાના અંત સુધીના સ્લૉટ ફુલ : મોટી સંખ્યામાં આવનારા યાત્રાળુઓને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા મૉલ ડ્રિલ કરીને યંત્રણા ચકાસી
ફાઇલ તસવીર
હિન્દુઓની સૌથી મહત્ત્વની ગણાતી ચારધામ યાત્રા આવતી કાલથી શરૂ થઈ રહી છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જોશીમઠમાં જમીન ધસી જવાની ઘટનાથી અસંખ્ય લોકો બેઘર બની ગયા હતા. આવી સ્થિતિ વચ્ચે આ વખતે ચારધામમાં ઓછા લોકો જવાની શક્યતા વ્યક્ત કરાતી હતી. જોકે હજી યાત્રા શરૂ નથી થઈ ત્યાં દેશભરમાંથી ૧૫ લાખથી વધુ લોકોએ કેદારનાથ, બદરીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીનાં દર્શન કરવા માટે બુકિંગ કરાવી લીધું છે અને દરરોજ એમાં વધારો થઈ રહ્યો છે. યમુનોત્રીનાં દર્શન માટેના સ્લૉટ મે મહિનાના અંત સુધીમાં બુક થઈ ગયા છે. આવતી કાલથી શરૂ થનારી ચારધામ યાત્રામાં કોઈ આફત આવી પડે તો યાત્રાળુઓને બચાવવા માટેની યંત્રણા ચકાસવા માટે ગઈ કાલે સ્થાનિક પ્રશાસન દ્વારા મૉલ ડ્રિલ કરવામાં આવી હતી.
ચારધામ યાત્રા માટે ગંગોત્રી અને યમુનોત્રી માટે આવતી કાલે મંદિરનાં દ્વાર ખૂલશે, જ્યારે કેદારનાથ મંદિરનાં દ્વાર ૨૫ એપ્રિલે અને બદરીનાથ મંદિરનાં દ્વાર ૨૭ એપ્રિલે ખૂલશે. ચારધામની યાત્રા માટેનું બુકિંગ ફેબ્રુઆરી મહિનાથી શરૂ કરાયું હતું. જોકે એ સમયે જોશીમઠમાં જમીન ધસી જવાની ઘટનાઓથી યાત્રાળુઓ ડરી ગયા હતા એટલે દેશભરમાંથી માર્ચ મહિનાના અંત સુધીમાં માત્ર બે લાખ લોકોએ જ બુકિંગ કરાવ્યું હતું. જોકે બાદમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે ચારધામની યાત્રામાં આવતા તમામ વિસ્તારોમાં યાત્રાળુઓને મુશ્કેલીમાં મૂકી શકે એવી બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાથી યાત્રાળુઓનો ડર ઓછો થયો હતો અને બુકિંગમાં વધારો થયો હતો એમ ઉત્તરાખંડ ટૂરિઝમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
ઉત્તરાખંડ ટૂરિઝમ ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા યાત્રાળુઓના આંકડા મુજબ સૌથી વધુ બુકિંગ કેદારનાથ અને બદરીનાથ માટે થયું છે. જોકે સ્લૉટ માટે સૌથી વધુ મારામારી યમુનોત્રી ધામ માટેની છે. મે મહિનાના અંત સુધીના સ્લૉટ બુક થઈ ગયા છે. ચારધામ યાત્રા માટે એક મહિનાના સ્લૉટ ઓપન કરવામાં આવે છે. મે મહિનામાં ગંગોત્રી ધામ માટે ૬૫ ટકા, કેદારનાથ ધામ માટે ૮૭ ટકા અને બદરીનાથ ધામ માટે ૬૬ ટકા બુકિંગ થઈ ગયું છે. ટૂરિઝમ બોર્ડે ઑનલાઇનની સાથે કેટલાક યાત્રાળુઓ ડાયરેક્ટ પહોંચી જતા હોય છે એટલે તેઓ પણ દર્શન કરી શકે એ માટે ઑન ધ સ્પૉટ બુકિંગની વ્યવસ્થા પણ કરી છે. યાત્રાળુઓનો એકસાથે ધસારો ન થાય એ માટે સરકારે ચારેય ધામ માટે દરરોજના યાત્રાળુઓની સંખ્યા નક્કી કરી છે અને એ મુજબ જ યાત્રાળુઓને આગળ જવા દેવાય છે. બદરીનાથ માટે દરરોજ ૧૮ હજાર, કેદારનાથ માટે ૧૫ હજાર, ગંગોત્રી માટે ૯ હજાર અને યમુનોત્રી માટે ૫,૫૦૦ યાત્રીઓ નક્કી કરવામાં આવ્યા છે.
જોશીમઠમાં બધું ઠીક છે
જોશીમઠમાં જમીન ધસી જવાના બનાવથી અહીંના ૯૦૦ પરિવારોને સલામત સ્થળે ખસેડાયા હતા. મોટા ભાગના આવા લોકોને વિવિધ હોટેલોમાં આશ્રય અપાયો હતો. આથી ચારધામ યાત્રાની હવે જ્યારે શરૂઆત થઈ રહી છે ત્યારે હોટેલોની રૂમ આશ્રિતોથી ભરેલી છે તો યાત્રાળુઓ ક્યાં જશે? એના જવાબમાં ઉત્તરકાશી હોટેલ અસોસિએશનના અધ્યક્ષ શૈલેશ મટુરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફેબ્રુઆરી મહિનામાં જમીન ધસવા લાગી હતી ત્યારે જોશીમઠમાં પચીસ ટકા મકાનો ખાલી કરાવીને જુદી-જુદી હોટેલમાં અહીંના લોકોને શિફ્ટ કરાયા હતા. એ સમયે ઑફ સીઝન હતી એટલે હોટેલો પણ ખાલી હતી એટલે આવા લોકો માટે વ્યવસ્થા થઈ ગઈ હતી. માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી ચારધામ યાત્રા માટેના યાત્રાળુઓએ હોટેલમાં બુકિંગ શરૂ કરી દીધા બાદ હોટેલમાં રહેતા આશ્રિતો માટે સરકારે જુદી વ્યવસ્થા કરી છે એટલે તેમને ત્યાં શિફ્ટ કરાયા છે. આથી યાત્રાળુઓ માટે હોટેલની રૂમો ઉપલબ્ધ નથી એમ ન કહી શકાય. ચારધામ યાત્રા જોશીમઠથી જ પસાર થાય છે, પણ અત્યારે અહીં જમીન ધસવાની કે બીજી કોઈ સમસ્યા નથી એટલે કોઈ મુશ્કેલી નથી.’
આ વખતે યાત્રાળુઓની સંખ્યા વધી શકે છે
શૈલેશ મટુરાએ કહ્યું હતું કે ‘ગયા વર્ષે સરકારી આંકડા મુજબ ૪૫ લાખ લોકોએ ચારધામની યાત્રા કરી હતી. મંદિરોના દરવાજા ખૂલવાથી બંધ થવાના છ મહિનામાં આ યાત્રા થાય છે. આ વખતે શરૂઆતમાં જ ૧૫ લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે અને દરરોજ સંખ્યા વધી રહી છે. યાત્રાળુઓની સંખ્યામાં આ વખતે વધારો થવાની શક્યતા છે. જોકે સરકારે યાત્રા માટે રજિસ્ટ્રેશન અને વિવિધ પ્રકારના ડૉક્યુમેન્ટ્સ દર્શાવવાની સિસ્ટમ બનાવી છે એમાં થોડી તકલીફ થઈ રહી છે. સરકાર આ પ્રક્રિયા સરળ બનાવી દે તો ચારધામમાં યાત્રાળુઓની સંખ્યામાં મોટો વધારો થઈ શકે છે.’
ડર હતો એ ખતમ થયો
જોશીમઠને લીધે લોકોમાં ડર હતો, પરંતુ હવે એ જતો રહ્યો છે. આ વિશે હીના ટૂર્સના ડિરેક્ટર પ્રભુ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફેબ્રુઆરી મહિનામાં જોશીમઠની હાલત જોયા બાદ લોકો ડરી ગયા હતા. જોકે પરિસ્થિતિ સામાન્ય થઈ હોવાનું જણાયા બાદ ચારધામની યાત્રા કરનારા લોકોના મનમાંથી ડર નીકળી ગયો છે અને બુકિંગમાં ઝડપ આવી છે. આવતી કાલે અમારું પહેલું ૪૦ યાત્રીઓનું ગ્રુપ ચારધામ યાત્રા માટે રવાના થશે. ચારધામ યાત્રામાં કોઈ મુશ્કેલી ન આવે એ માટે સરકારે ઝડપથી કામ કર્યું છે.’
મૉક ડ્રિલ કરાઈ
આવતી કાલથી ચારધામની યાત્રા શરૂ થઈ રહી છે ત્યારે કોઈ કુદરતી આફત આવી પડે તો યાત્રાળુઓની મદદે પહોંચવા માટે યંત્રણા સક્ષમ છે કે નહીં એ જાણવા માટે ગઈ કાલે મૉક ડ્રિલ હાથ ધરવામાં આવી હતી. આ સમયે ઉત્તરકાશીમાં ક્લાઉડ બર્સ્ટ, ભારે વરસાદમાં યાત્રાળુઓ વહી જાય તો કેવી રીતે તેમનો બચાવ થઈ શકે વગેરે ચકાસવામાં આવ્યું હતું. આ સમયે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી કન્ટ્રોલ રૂમ હાજર રહ્યા હતા.
૧૫,૨૦,૬૧૦
બે દિવસ પહેલાં સુધી આટલા લોકોએ ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આમાંથી સૌથી વધુ ૫,૪૦,૨૮૬ યાત્રાળુઓએ કેદારનાથ માટે, બદરીનાથ ધામ માટે ૪,૫૬,૧૨૮ લોકોએ, યમુનોત્રીનાં દર્શન માટે ૨,૩૯,૯૬૧ અને ગંગોત્રી ધામ માટે ૨,૭૭,૦૮૪ યાત્રાળુઓએ નામ નોંધાવ્યાં છે.


