થપ્પડ-કાંડને સપોર્ટ કરનારા લોકોને કંગના રનૌતનો જવાબ
કંગના રનૌત
હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલી સંસદસભ્ય કંગના રનૌતના ચહેરા પર થપ્પડ મારનારી ચંડીગઢ ઍરપોર્ટની સેન્ટ્રલ રિઝર્વ ઇન્ડસ્ટ્રિયલ ફોર્સ (CISF)ની મહિલા કૉન્સ્ટેબલને સોશ્યલ મીડિયામાં લોકો સપોર્ટ કરતા હોવાથી કંગના રનૌતે શનિવારે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક લાંબી નોટ મૂકીને તે લોકોની ટીકા કરી છે. કંગનાએ આવા લોકો પ્રત્યે તેની નારાજગી જાહેર કરી છે અને લાંબી પોસ્ટ મૂકી છે.
કંગનાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે ‘દરેક બળાત્કારી, હત્યારા કે ચોર પાસે અપરાધ કરવા માટે હંમેશાં એક ભાવનાત્મક, શારીરિક, માનસિક અને આર્થિક કારણ હોય છે. કોઈ પણ અપરાધ કોઈ કારણ વિના થતો નથી, તો પણ તેમને દોષી ઠરાવવામાં આવે છે અને જેલની સજા પણ કરવામાં આવે છે. જો તમે આ અપરાધીઓ સાથે છો તો દેશના તમામ કાયદાને તોડીને અપરાધ કરવાની ભાવનાથી તમે જોડાયેલા છો. યાદ રાખો, જો તમે કોઈના ઇન્ટિમેટ ઝોનમાં ઘૂસવા, તેમની પરવાનગી વિના તેમના શરીરને સ્પર્શ કરવા અને તેમના પર હુમલો કરવામાં સહમત છો તો તમે બળાત્કાર કે હત્યા સાથે પણ સહમત છો. આપે આપની મનોવૈજ્ઞાનિક અપરાધિક પ્રવૃત્તિના ઊંડાણમાં જોવું જોઈએ. મારું સૂચન છે કે પ્લીઝ, યોગ અને મેડિટેશન કરો, અન્યથા જીવન એક કડવો અને બોઝિલ અનુભવ બની જશે. કૃપા કરીને આટલો દ્વેષ, ઘૃણા અને ઈર્ષ્યા ન રાખો, પોતાની જાતને આમાંથી મુક્ત કરો.’