૧૯૪૫માં ખોદકામ દરમ્યાન ધરતીની નીચેથી મળી આવેલું આ મંદિર ફરી ધરતીમાં સમાયું
ગંગા નદીમાં આવેલા પૂરમાં ઉત્તરકાશીમાં આવેલું પ્રાચીન કલ્પ કેદાર મંદિર પણ ડૂબી ગયું
ઉત્તરાખંડમાં મંગળવારે ખીર ગંગા નદીમાં આવેલા પૂરમાં ઉત્તરકાશીમાં આવેલું પ્રાચીન કલ્પ કેદાર મંદિર પણ ડૂબી ગયું હતું. આ મંદિર ઘણાં વર્ષો સુધી જમીન નીચે દટાયેલું રહ્યું હતું. ફક્ત એનો ઉપરનો ભાગ જ જમીન ઉપર દેખાતો હતો. કટૂર શૈલીમાં બનાવવામાં આવેલા આ શિવ મંદિરની સ્થાપત્યશૈલી કેદારનાથ ધામ જેવી જ છે. ૧૯૪૫માં ખોદકામ દરમ્યાન એની શોધ થઈ હતી. ઘણા ફુટ ભૂગર્ભમાં ખોદકામ કર્યા પછી આ શિવ મંદિર મળી આવ્યું હતું. મંદિર જમીનના સ્તરથી નીચે હતું અને ભક્તોએ મંદિરમાં પ્રાર્થના કરવા માટે નીચે જવું પડતું હતું. લોકો કહે છે કે ખીર ગંગાનું થોડું પાણી ઘણી વાર મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ પર વહેતું હતું અને એના માટે એક રસ્તો બનાવવામાં આવ્યો હતો. મંદિરની બહાર પથ્થરની કોતરણી છે. ગર્ભગૃહનું શિવલિંગ કેદારનાથ મંદિરની જેમ નંદીના પાછળના ભાગ જેવો આકાર ધરાવે છે.


