Jaipur Fire: જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે લાગી આગ; દુ:ખદ ઘટનામાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા; તપાસ ચાલુ
આગની ઘટના બાદ બચાવ કામગીરી બાદ દર્દીઓ તેમના પરિવારના સભ્યો સાથે (તસવીર: પીટીઆઈ)
રાજસ્થાન (Rajasthan)ના જયપુરમાં (Jaipur) રવિવારે રાત્રે એક મોટી દુર્ઘટના બની. જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલ (Sawai Man Singh Hospital)ના ટ્રોમા સેન્ટરના આઇસીયુ (ICU) વોર્ડમાં ભીષણ આગ (Jaipur Fire) લાગી, જેના કારણે આઠ લોકોના મોત થયા. અકસ્માત સમયે ટ્રોમા સેન્ટરમાં ૧૧ દર્દીઓ સારવાર હેઠળ હતા. આગ લાગ્યા પછી, દર્દીઓ અને તેમના પરિચારકો પથારી અને ગાદલા લઈને જીવ બચાવવા દોડ્યા હતા. જોકે, આ પછી પણ ઘણા લોકોને બચાવી શકાયા ન હતા. પીડિતોના પરિવારજનોનો આરોપ છે કે હોસ્પિટલમાં આગ લાગતા જ ડોક્ટરો અને કમ્પાઉન્ડર્સ ભાગી ગયા હતા.
સોમવારે વહેલી સવારે મળેલી માહિતી મુજબ, રાજસ્થાનના જયપુરમાં સવાઈ માન સિંહ (SMS) હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) વોર્ડમાં ભીષણ આગ લાગવાથી આઠ દર્દીઓના મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મૃતકોમાં બે મહિલાઓ અને ચાર પુરુષોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
SMS હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ ડૉ. અનુરાગ ધાકડે જણાવ્યું હતું કે, ટ્રોમા ICUમાં શોર્ટ સર્કિટ થયો હતો. જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને ઝેરી ધુમાડો નીકળ્યો હતો. ડૉ. ધાકડે જણાવ્યું હતું કે, ટ્રોમા ICUમાં ૧૧ દર્દીઓ હતા, જ્યાં આગ લાગી અને ફેલાઈ ગઈ.
હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘મોટાભાગના ગંભીર દર્દીઓ બેભાન હતા. અમારી ટ્રોમા સેન્ટર ટીમ, અમારા નર્સિંગ અધિકારીઓ અને વોર્ડ બોય્સે તાત્કાલિક તેમને ટ્રોલીમાં લોડ કર્યા અને તેમને ICU માંથી બહાર કાઢ્યા, અને શક્ય તેટલા દર્દીઓને ICU માંથી બહાર કાઢ્યા. તેમાંથી છ દર્દીઓની હાલત ગંભીર હતી; અમે CPR દ્વારા તેમને જીવંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને બચાવી શકાયા નહીં.’
મળતી માહિતી પ્રમાણે, ટ્રોમા આઈસીયુમાં શોર્ટ સર્કિટ થયું અને આગ ઝડપથી ફેલાઈ ગઈ, જેનાથી ઝેરી વાયુઓ નીકળી ગયા. મોટાભાગના ગંભીર દર્દીઓ બેભાન થઈ ગયા.
મોડી રાત્રે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા (Bhajan Lal Sharma) પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માની સાથે સંસદીય બાબતોના મંત્રી જોગારામ પટેલ (Jogaram Patel) અને ગૃહ રાજ્યમંત્રી જવાહર સિંહ બેધમ (Jawahar Singh Bedham)એ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ટ્રોમા સેન્ટરની મુલાકાત લીધી. જ્યારે શર્મા અને પટેલ પહોંચ્યા, ત્યારે પીડિત પરિવારે આરોપ લગાવ્યો કે આગ લાગ્યા પછી ન્યુરો આઈસીયુનો સ્ટાફ ભાગી ગયો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે હોસ્પિટલનો સ્ટાફ તેમના દર્દીઓની સ્થિતિ વિશે અપડેટ આપી શક્યો નથી.
આગ સ્ટોરેજ એરિયામાં લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જોકે, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શંકા છે.
આઠ મૃતકોમાં છની ઓળખ પિન્ટુ (સીકરનો રહેવાસી), દિલીપ (આંધી, જયપુરનો રહેવાસી), શ્રીનાથ, રુક્મિણી, ખુરમા (બધા ભરતપુરના રહેવાસી) અને બહાદુર (સાંગાનેર, જયપુરનો રહેવાસી) તરીકે થઈ છે.
આગમાં વિસ્તારમાં સંગ્રહિત અનેક દસ્તાવેજો, ICU સાધનો, બ્લડ સેમ્પલ ટ્યુબ અને અન્ય વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. હોસ્પિટલ સ્ટાફ અને દર્દીના સહાયકોએ દર્દીઓને બહાર કાઢ્યા હતા, તેમને તેમના પલંગ સાથે બિલ્ડિંગની બહાર પણ લઈ ગયા હતા, એમ અહેવાલોમાં જણાવાયું છે.


