સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો લાખ રૂપિયાનો આ સવાલ- અરજીમાં દાવો કરાયો છે કે ડાબે ચાલવાથી પાછળથી આવતાં વાહનો દેખાતાં નથી એટલે અકસ્માતોમાં મૃત્યુ વધુ, જમણે ચાલવાથી વાહનોને સામે જોઈ શકાશે એથી મૃત્યુદર ઘટશે
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
ભારતમાં રસ્તાની ડાબી બાજુ ચાલવાનો નિયમ છે. આ નિયમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) પાસેથી જવાબ પણ માગ્યો છે કે શું વિદેશની જેમ રાહદારીઓ માટે રસ્તાની જમણી બાજુ ચાલવાનો નિયમ લાગુ કરી શકાય કે કેમ?
જબલપુરના રહેવાસી જ્ઞાન પ્રકાશ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ આ સમગ્ર મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. આ અરજીમાં રસ્તાની ડાબી બાજુ ચાલવાનાં જોખમો વિશે જણાવાયું છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦૨૨માં ૫૦,૦૦૦ માર્ગ-અકસ્માતો થયા હતા જેમાં ૧૮,૦૦૦ રાહદારીઓ મૃત્યુ પામ્યા હતા. અરજદારની દલીલ એવી છે કે જમણી બાજુ ચાલવાથી સામે આવતાં વાહનો સ્પષ્ટ જોવા મળે છે. એને લીધે ગાડી બેકાબૂ બને કે પૂરપાટ ઝડપે આવતી હોય તો રસ્તે ચાલનાર વ્યક્તિને જીવ બચાવવાની તક મળે છે, જ્યારે ડાબી બાજુ ચાલનાર વ્યક્તિને પાછળથી આવતા બેકાબૂ વાહનથી બચવાની તક મળતી નથી.


