ભારતે આ મામલે સંપૂર્ણ તપાસ કરાવવા માટે અમેરિકાને અપીલ કરી, સ્પીડમાં આવતી પોલીસની કાર સાથે ટકરાવાથી આ ઇન્ડિયન સ્ટુડન્ટનું મૃત્યુ થયું હતું

સીએટલમાં પોલીસ પૅટ્રોલ કાર સાથે ટકરાવાને કારણે મૃત્યુ પામનારી ઇન્ડિયન સ્ટુડન્ટ જાનવી કંડુલા
ભારતે એક ઇન્ડિયન સ્ટુડન્ટના મૃત્યુ વિશે મજાક ઉડાવનારા સીએટલના એક પોલીસ અધિકારીના બૉડીકૅમ ફુટેજની સંપૂર્ણ તપાસ કરાવવા માટે અમેરિકાને અપીલ કરી છે. સ્પીડમાં આવતી એક પોલીસ કારની સાથે ટકરાવાના કારણે આ ઇન્ડિયન સ્ટુડન્ટનું મૃત્યુ થયું હતું.
ઑફિસર કેવિન ડેવ દ્વારા ચલાવવામાં આવતા પોલીસ વેહિકલ સાથે ટકરાયા બાદ ૨૩ વર્ષની જાનવી કંડુલાનું જાન્યુઆરીમાં મૃત્યુ થયું હતું. ધ સીએટલ ટાઇમ્સ ન્યુઝપેપર અનુસાર તે લગભગ ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી વેહિકલ ચલાવતો હતો. કંડુલા નૉર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીના સીએટલ કૅમ્પસમાં માસ્ટર્સની સ્ટુડન્ટ હતી.
સીએટલ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સોમવારે રિલીઝ કરવામાં આવેલા એક વિડિયોમાં બીજો એક પોલીસ ઑફિસર આ ઍક્સિડન્ટ વિશે ચર્ચા કરતી વખતે મજાક કરતો અને હસતો જોવા મળ્યો હતો.
આ ક્લિપમાં સીએટલ પોલીસ ઑફિસર્સ ગિલ્ડના વાઇસ પ્રેસિડન્ટ ડેનિયલ ઑડરને ગિલ્ડના પ્રેસિડન્ટ સાથેના એક કૉલમાં એમ કહેતો સાંભળી શકાય છે કે ‘તે મૃત્યુ પામી છે’ અને એ પછી તે હસવા લાગ્યો હતો. તેણે કંડુલાને ‘એક રેગ્યુલર વ્યક્તિ’ ગણાવી હતી. તેણે હસતાં-હસતાં વધુ કહ્યું હતું કે ‘યા, જસ્ટ એક ચેક લખ્યો, ૧૧ હજાર ડૉલર (૯.૧૨ લાખ રૂપિયા).’
આ ક્લિપના અંતમાં તેણે કંડુલાની ઉંમર ખોટી જણાવી કહ્યું હતું કે ‘તે ૨૬ વર્ષની હતી, તેની લિમિટેડ વૅલ્યુ હતી.’
ઇન્ડિયન કૉન્સ્યુલેટે મુદ્દો ઉઠાવ્યો હતો
સૅન ફ્રાન્સિસ્કોમાં ઇન્ડિયન કૉન્સ્યુલેટે રોડ-ઍક્સિડન્ટમાં કંડુલાના મૃત્યુના કેસને જે રીતે હૅન્ડલ કરવામાં આવ્યો છે એને ખૂબ જ મુશ્કેલજનક ગણાવ્યો છે અને આ કેસમાં સંકળાયેલા લોકોની વિરુદ્ધ ઍક્શન લેવાની માગણી કરી છે. એક્સ પ્લૅટફૉર્મ પર એક પોસ્ટમાં ઇન્ડિયન કૉન્સ્યુલેટે લખ્યું હતું કે ‘અમે આ કરુણ કેસમાં સંકળાયેલા લોકોની વિરુદ્ધ સંપૂર્ણ તપાસ અને પગલાં લેવાં માટે સીએટલ-વૉશિંગ્ટન સ્ટેટમાં લોકલ ઑથોરિટી તેમ જ વૉશિંગ્ટન ડીસીમાં સિનિયર અધિકારીઓની સમક્ષ પણ આ મામલો ઉઠાવ્યો છે.’ કંડુલા મૂળ આંધ્ર પ્રદેશની હતી.
બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશને આપી ઝડપી પગલાંની ખાતરી
બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશને ભારત સરકારને જાનવી કંડુલાના મોતની ઝડપી તપાસ અને એના માટે જવાબદાર પોલીસ ઑફિસર્સને સજા કરવાની ખાતરી આપી છે. અમેરિકા ખાતે ભારતના ઍમ્બૅસૅડર તરણજિત સિંહ સંધુએ વૉશિંગ્ટનમાં સર્વોચ્ચ સ્તરે આ મામલો ઉઠાવ્યો હતો.