નેવીએ ઘણાં ઍન્ટિ-શિપ મિસાઇલોનું પરીક્ષણ કર્યું હતું. આ સિવાય લાંબા અંતર સુધી પ્રહાર કરી શકવાની ક્ષમતા અને કૉમ્બેટ રેડીનેસનું પ્રદર્શન કર્યું હતું
ઇન્ડિયન નેવીએ અરબી સમુદ્રમાં કર્યું શક્તિપ્રદર્શન
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવભરી સ્થિતિ વચ્ચે ભારત સરકાર અને સુરક્ષા દળો ઍક્શન મોડમાં જોવા મળ્યાં છે અને એમાં અરબી સમુદ્રમાં ઇન્ડિયન નેવીએ એનું શક્તિપ્રદર્શન કર્યું હતું. નેવીએ ઘણાં ઍન્ટિ-શિપ મિસાઇલોનું પરીક્ષણ કર્યું હતું. આ સિવાય લાંબા અંતર સુધી પ્રહાર કરી શકવાની ક્ષમતા અને કૉમ્બેટ રેડીનેસનું પ્રદર્શન કર્યું હતું.
આ મુદ્દે નેવીએ કહ્યું હતું કે આ અભ્યાસ દેશનાં સમુદ્રી હિતોનું રક્ષણ કરવા એની તૈયારીઓને પુષ્ટિ આપે છે.
ADVERTISEMENT
નેવીએ જાહેર કરેલા વિડિયોમાં કલકત્તા ક્લાસના ડિસ્ટ્રૉયર જહાજ અને નીલગિરિ તથા ક્રિવાક શ્રેણીની ફ્રીગેટ સહિત ઘણાં ફ્રન્ટલાઇન યુદ્ધજહાજમાંથી બ્રહ્મોસ ઍન્ટિ-શિપ અને ઍન્ટિ-સરફેસ ક્રૂઝ મિસાઇલો લૉન્ચ કરવામાં આવ્યાં હતાં.
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર નેવીએ શૅર કરેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ઇન્ડિયન નેવીનાં જહાજોએ લાંબા અંતરના અચૂક આક્રમણ માટે પ્લૅટફૉર્મ, સિસ્ટમ અને ટીમની તત્પરતાને ફરીથી પ્રમાણિત કરવા અને પ્રદર્શિત કરવા માટે ઘણું સફળ ઍન્ટિ-શિપ ફાયરિંગ કર્યું હતું. ઇન્ડિયન નેવી દેશનાં સમુદ્રી હિતોની રક્ષા કરવાના ઉદ્દેશથી યુદ્ધ કરવા તૈયાર છે, જે વિશ્વસનીય છે અને ભવિષ્ય માટે તૈયાર છે.


