આસામમાં ચાનો ઉદ્યોગ ધરાવતાં ઑન્ટ્રપ્રનર મા-દીકરીએ દિગ્ગજ ફિલ્મસ્ટારોની વચ્ચે વાંસ અને વડનાં કૉસ્ચ્યુમ્સ પહેરીને રાજ્યની સંસ્કૃતિને ઉજાગર કરી
ઊર્મિમાલા બરુઆ અને તેમની દીકરી સ્નિગ્ધા બરુઆ
વિશ્વભરમાં પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરની સેલિબ્રિટીઓ તેમની ફૅશન અને લુકથી તરખાટ મચાવે છે ત્યારે એમાં ભારતની મા-દીકરીની એક જોડી ચર્ચાનો વિષય બની છે. આ જોડી કોઈ ફિલ્મસ્ટારોની નહીં પણ ઑન્ટ્રપ્રનરની છે. ચાનો ઉદ્યોગ ધરાવતાં ઊર્મિમાલા બરુઆ અને તેમની દીકરી સ્નિગ્ધા બરુઆએ આસામના નાનકડા ગામમાંથી શરૂઆત કરીને ફ્રાન્સના કાન સુધીની સફર કરી છે. ઊર્મિમાલા એટલાં યંગ લાગે છે કે મા-દીકરી સાથે ઊભાં હોય ત્યારે કોણ મા છે અને કોણ દીકરી એ કહેવું મુશ્કેલ થઈ જાય છે.
મા-દીકરીની આ જોડી ‘દિબ્રુગઢઃ અ કલ્ચરલ જર્ની’ નામની શૉર્ટ ફિલ્મ સાથે સંકળાયેલી છે. આસામની સંકૃતિને ઉજાગર કરતી આ ફિલ્મ આસામમાં રિલીઝ થઈ ચૂકી છે અને હવે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એનું સ્ક્રીનિંગ થવાનું છે. ઊર્મિમાલા અને સ્નિગ્ધાએ કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટમાં પહેરેલો ડ્રેસ પણ તેમની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. ઊર્મિમાલાનો ડ્રેસ પ્રાચીન વટવૃક્ષથી પ્રેરિત છે જે માનવતાના મૂળ અને તાકાતનું પ્રતીક છે, જ્યારે સ્નિગ્ધાનો ડ્રેસ વાંસમાંથી બનેલો છે જે આસામીઝ સંસ્કૃતિ છતી કરે છે.


