કાશ્મીરમાં ૪૮ કલાકમાં ૬ આતંકવાદીઓ ઠાર, ૧૪ના લિસ્ટમાંથી ૮ બાકી
મા સાથે વિડિયો-કૉલ પર વાત કરતો આમિર નઝીર વાની અને છુપાતી વખતે ડ્રોન કૅમેરામાં ઝડપાઈ ગયેલો એક આતંકવાદી.
જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે શોપિયાંમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા એ પછી ગઈ કાલે પુલવામા જિલ્લામાં ફરી ત્રણ આતંકવાદીઓને ભારતીય સેનાના જવાનોએ એક અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં છુપાયેલા ખોળી કાઢ્યા હતા. આ ત્રણેય આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સંગઠનના હતા. મંગળવારે મરનારા આતંકવાદીઓ લશ્કર-એ-તય્યબાના હતા. ૪૮ કલાકમાં મરાયેલા છએ આતંકવાદીઓ કાશ્મીરી હતા.
આ આતંકવાદીઓનું એન્કાઉન્ટર પુલવામાના નાદેર ગામમાં થયેલું, જ્યાં તેઓ એક ઘરમાં છુપાયા હતા. ભારતીય સેનાના અધિકારીઓને એની માહિતી મળી હતી, પણ તેમણે એ વાતની પુષ્ટિ કરવા માટે ડ્રોનનો સહારો લીધો હતો. ડ્રોનમાં લાગેલા કૅમેરા દ્વારા ઘરમાં તેઓ શું કરી રહ્યા છે એ જોવા મળ્યું હતું. ગઈ કાલે માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાંથી આમિર નઝીર વાની નામના આતંકવાદીએ એન્કાઉન્ટરના થોડા સમય પહેલાં જ તેની મા સાથે વિડિયો-કૉલ પર વાત કરેલી. એ વિડિયોમાં તેની મા અને બહેન આમિરને સરેન્ડર કરવાનું કહેતાં દેખાય છે, પણ આમિરે કહેલું કે સેનાને આવવા દો.
ADVERTISEMENT
ભારતીય સેનાના જવાનોએ તેમને ચારે તરફથી ઘેરીને સરેન્ડર કરવા કહ્યું હતું, પરંતુ તેમણે આત્મસમર્પણ કરવાને બદલે ફાયરિંગ શરૂ કરી દેતાં સેનાએ પણ ચોમેરથી હુમલો કરીને ત્રણેયને ઠાર માર્યા હતા. એન્કાઉન્ટર બાદ ત્રણેયનાં શબની સાથે ઘરમાંથી સારીએવી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યાં હતાં.
માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ આમિર નઝીર વાની, આસિફ અહમદ શેખ અને યાવર અહમદ ભટ તરીકે થઈ હતી.
૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ઇન્ટેલિજન્સ એજન્સીઓએ ૧૪ સ્થાનિક આતંકવાદીઓનું લિસ્ટ બનાવ્યું હતું, જેમાંથી છનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો હતો.

