હર્ષ ગોયનકા અને આનંદ મહિન્દ્રથી લઈને અમિતાભ કાંત સુધીના અગ્રણીઓએ કહ્યું કે ટ્રમ્પની ધમકીઓથી ડરવાની જરૂર નથી, ભારત પાસે શક્તિ છે આ આફતને અવસરમાં બદલી દેવાની
હર્ષ ગોયનકા, આનંદ મહિન્દ્ર, અમિતાભ કાંત
ડોનલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટૅરિફની જાહેરાત કર્યા પછી ભારતના અનેક ઉદ્યોગપતિઓ, વિશેષજ્ઞો અને અગ્રણીઓએ ટ્રમ્પના વલણને ખુલ્લી દાદાગીરી કહીને પડકારી હતી. ભારતના આ અગ્રણીઓનો સામૂહિક સ્વર એવો હતો કે ભારત કોઈની ધમકીઓથી ડરી કે તૂટી જાય એમ નથી, આ આફતને પણ આપણે અવસરમાં બદલી શકીએ છીએ.
ટૅરિફનું ‘મંથન’ ભારત માટે ‘અમૃત’ લાવી શકે : આનંદ મહિન્દ્ર
ADVERTISEMENT

મહિન્દ્ર ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્રએ ટ્રમ્પના પગલાની આકરી ટીકા કરીને કહ્યું હતું કે ‘આ પગલાં અમેરિકાને પોતાને જ ભારે પડી શકે છે. ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકા માટે ધાર્યા કરતાં ઊંધાં પરિણામ લાવી શકે છે. યુરોપ અને કૅનેડામાં જોવા મળી રહ્યું છે કે તેઓ પણ અમેરિકાના આવા વલણને લીધે આંતરિક સુધારાઓ કરવા લાગી ગયા છે, જે આગળ જતાં વૈશ્વિક વિકાસ માટે સારું ચિહન છે. ભારતે પણ આ અવસરનો લાભ લેવો જોઈએ. જેમ ૧૯૯૧માં ફૉરેન રિઝર્વના સંકટે ઉદારીકરણને ગતિ આપી હતી એમ અત્યારે ટૅરિફને લીધે વિશ્વભરમાં જે ‘મંથન’ ચાલી રહ્યું છે એ ભારત માટે ‘અમૃત’ લાવી શકે છે.’
આનંદ મહિન્દ્રએ ભારત માટે બે સૂચનો પણ આપ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ‘ભારતે હવે નાના સુધારાઓથી આગળ વધીને વ્યાપક સુધારાઓ પર ધ્યાન આપવું જોઈએ. રોકાણકારોને તમામ મંજૂરીઓ એક જ જગ્યાએ મળી જાય એવી વ્યાપક સિંગલ વિન્ડો સિસ્ટમ ઊભી કરવી જોઈએ. શરૂઆત એવાં રાજ્યોથી કરવી જોઈએ જે આ નીતિને સ્વીકારવા તૈયાર હોય. બીજી તરફ આપણે પર્યટન-ટૂરિઝમનો હજી વધુ વિકાસ કરવો જોઈએ અને વીઝાની પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ. ટૂરિઝમ ફૉરેન કરન્સી અને રોજગારી બન્ને માટે એક મહત્ત્વનો સ્રોત બની શકે એમ છે.’
ભારત સારા વિકલ્પો શોધશે અને આત્મનિર્ભર બનશે: હર્ષ ગોયનકા

આરપીજી એન્ટરપ્રાઇઝિસના ચૅરમૅન હર્ષ ગોયનકાએ કહ્યું હતું કે ‘તમે અમારી એક્સપોર્ટ પર ટૅરિફ લગાવી શકો છો, પણ અમારા સાર્વભૌમત્વ પર નહીં. તમે તમારી ટૅરિફ વધારો, અમે અમારો સંકલ્પ વધારીશું. ભારત વધુ સારા વિકલ્પો શોધશે અને આત્મનિર્ભર બનશે.’
એક પેઢીમાં એક વાર આવે એવો અવસર : અમિતાભ કાંત

નીતિ (NITI - નૅશનલ ઇન્સ્ટિટ્યુશન ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા) આયોગના ભૂતપૂર્વ CEO અમિતાભ કાંતે કહ્યું હતું કે ‘ટ્રમ્પે આપણને એવો અવસર આપ્યો છે જે એક પેઢીમાં એક જ વાર આવે છે. એટલે આપણે સુધારાઓ માટેનું મોટું પગલું ભરી શકીએ. આપણે આ સંકટનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ.’
ભારતે પણ ૫૦ ટકા ટૅરિફ લાદવી જોઈએ : શશી થરૂર

સંસદસભ્ય અને વિદેશી બાબતોના નિષ્ણાત શશી થરૂરે કહ્યું હતું કે ‘ભારતે પણ અમેરિકાને સામે જવાબ આપવો જોઈએ. તેમણે ચીન માટે ૯૦ દિવસની ડેડલાઇન રાખી છે, પણ ભારત માટે માત્ર ૨૧ દિવસની. મને ખબર નથી કે મિસ્ટર ટ્રમ્પ ભારતથી આટલા નારાજ કેમ છે. અત્યારે ભારત અમેરિકાની ચીજવસ્તુઓ પર ૧૭ ટકા ટૅરિફ વસૂલ કરે છે એ ૫૦ ટકા કરી દેવી જોઈએ. જોકે પહેલાં આપણે વાટાઘાટથી પ્રયાસ કરવો જોઈએ. જો વાટાઘાટથી અમેરિકા ન સમજતું હોય તો ભારતે પણ રેસિપ્રોકલ ટૅરિફથી જ જવાબ આપવો જોઈએ. એટલે જો ભારત પર અમેરિકા ૫૦ ટકા ટૅરિફ લાદે તો આપણે પણ ૫૦ ટકા ટૅરિફ વસૂલ કરવી જોઈએ.


