ભારે વરસાદથી પૂરની સ્થિતિ : આંધી-તોફાને મચાવી તબાહી : રોડ પર નદીઓ વહી, હોડીની જેમ ગાડીઓ તરી, ઘરોમાં પાણી ભરાયાં
બૅન્ગલોર શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
હાઈ-ટેક સિટી ગણાતા બૅન્ગલોરના હાલ એક જ વરસાદમાં બેહાલ થયા છે. રવિવારથી વરસી રહેલા વરસાદને કારણે બૅન્ગલોરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બૅન્ગલોર શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જળબંબાકારની સ્થિતિને કારણે અનેક વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયાં હતાં જેને લઈને વાહનોને નુકસાન થયું હતું અને વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. સતત ૪૮ કલાક વરસેલા ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને રોડ પર પાણી ભરાયાં હતાં અને રોડ પર રેસ્ક્યુ બોટ ઉતારવી પડી હતી.
લક્ઝરી ઘરોમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં. ઘરનો સામાન અને ઇલેક્ટ્રૉનિક ઉપકરણો ખરાબ થઈ ગયાં હતાં. અહીં કાર પાણીમાં તરતી જોવા મળી હતી. આ સિવાય અપાર્ટમેન્ટ્સના બેઝમેન્ટમાં પાણી ભરાવાથી અનેક ગાડીઓ ખરાબ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
વરસાદનું શું છે કારણ?
બૅન્ગલોરમાં થઈ રહેલા ભારે વરસાદનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં બનેલું સાઇક્લોનિક સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રથી લઈને કેરલા સુધી વિસ્તરેલી હવામાનરેખા છે, જે કર્ણાટકમાંથી પસાર થઈ રહી છે. આ બે કારણોસર સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.


