દુલ્હનને ધ્રૂજતા હાથે મંગળસૂત્ર પહેરાવ્યું અને લગ્ન પૂરાં થયાં એની ત્રણ સેકન્ડમાં ચોરીમાં જ દુલ્હો મૃત્યુ પામ્યો. પ્રવીણનો પરિવાર દીકરાવહુને લાવવા માટે જાન લઈને ગયો હતો એને બદલે દીકરાને વિદાય આપવાનો સમય આવી જતાં પરિવારજનોમાં રોકકળ મચી ગઈ હતી.
૨૬ વર્ષના પ્રવીણ નામના યુવકનાં લગ્ન
કર્ણાટકના જામખંડી શહેરમાં ખૂબ સાદગીથી એક યુગલનાં લગ્ન થઈ રહ્યાં હતા. જોકે પૂજારીએ જેવું કહ્યું કે લગ્ન સંપન્ન થયાં, બસ એની ત્રણ જ સેકન્ડમાં દુલ્હો ત્યાં જ ઢળી પડ્યો. દુલ્હન સુહાગના જોડામાં જ વિધવા થઈ ગઈ અને ખુશીનો માહોલ માતમમાં છવાઈ ગયો. જામખંડી શહેરમાં ૨૬ વર્ષના પ્રવીણ નામના યુવકનાં લગ્ન હતાં. જ્યારે વિધિ ચાલી રહી હતી ત્યારે પણ તેના હાથ થોડાક ધ્રૂજી રહ્યા હતા. જોકે લગ્ન જેવાં સંપન્ન થયાં કે પ્રવીણને સિવિયર હાર્ટ-અટૅક આવ્યો અને તે ત્યાં જ ઢળી પડ્યો. પરિવારજનો તરત જ તેને હૉસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાં પહોંચતાં પહેલાં જ પ્રવીણનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. લગ્નના મંડપમાંથી ઊતરીને પરિવારજનોના આશીર્વાદ લેતાં પહેલાં જ આ ઘટના ઘટી હતી. પ્રવીણનો પરિવાર દીકરાવહુને લાવવા માટે જાન લઈને ગયો હતો એને બદલે દીકરાને વિદાય આપવાનો સમય આવી જતાં પરિવારજનોમાં રોકકળ મચી ગઈ હતી.


