કર્ણાટક હાઈ કોર્ટે કેન્દ્ર સરકારના આદેશને પડકારતી ટ્વિટરની અરજીને ફગાવી અને ૫૦ લાખ રૂપિયાનો દંડ પણ કર્યો
પ્રતીકાત્મક તસવીર
કર્ણાટક હાઈ કોર્ટે કેટલાંક ટ્વીટ્સ અને અકાઉન્ટ્સને હટાવવા માટેના કેન્દ્ર સરકારના આદેશને પડકારતી ટ્વિટરની અરજીને ગઈ કાલે ફગાવી દીધી હતી. અદાલતે ટ્વિટરને એના વર્તાવનો ઉલ્લેખ કરીને પચાસ લાખ રૂપિયાનો દંડ પણ કર્યો હતો. અદાલતે આદેશના અમલ પર સ્ટે મૂકવાની ટ્વિટરની વિનંતી પણ ફગાવી દીધી હતી.
ઇલેક્ટ્રૉનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી મંત્રાલયને બ્લૉક કરવાના આદેશને મનસ્વી અને અભિવ્યક્તિ અને વાણી સ્વાતંત્ર્યની વિરુદ્ધ ગણાવીને ટ્વિટરે એને ગયા વર્ષે જુલાઈમાં કર્ણાટક હાઈ કોર્ટમાં પડકાર્યો હતો.
ADVERTISEMENT
એપ્રિલમાં હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે શા માટે એણે ટ્વિટર પર કેટલાંક એકાઉન્ટ્સને બ્લૉક કરવા માટે કોઈ કારણ આપ્યું નથી.
અદાલતે એ સમયે ઑબ્ઝર્વ કર્યું હતું કે દુનિયા ટ્રાન્સપરન્સી તરફ આગળ વધી રહી છે અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટની કલમ ૬૯એ હેઠળ કેન્દ્ર સરકારે આ અકાઉન્ટ્સને હટાવવાની વિનંતી કરી હતી, પરંતુ એના માટે પણ કારણો આપવાની જરૂર છે.
બેન્ચે ચુકાદો આપતાં કહ્યું કે ‘ટ્વિટરને નોટિસ આપવામાં આવી હતી અને એણે એનું પાલન નહોતું કર્યું. આદેશનો અમલ ન કરવાની સાત વર્ષની સજા છે. તમે કોઈ કારણ પણ આપ્યું નથી કે શા માટે તમે ડિલે કર્યું, ડિલેના એક વર્ષ કરતાં વધારે સમય બાદ ઓચિંતાં તમે અદાલતનો સંપર્ક કર્યો. તમે ખેડૂત નથી, પરંતુ બિલ્યન ડૉલર કંપની છો.’


