રીફન્ડ મેળવવા કાગળ પર ૫૦૦ નકલી કંપનીઓ બનાવીને ૭૧૮ કરોડ રૂપિયાનાં બનાવટી ઇન્વૉઇસ બનાવ્યાં ઃ કૌભાંડનો પર્દાફાશ કરીને બધાની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીમાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) અધિકારી બબીતા શર્મા, એક ટ્રાન્સપોર્ટ કંપનીનો માલિક અને બે ટ્રાન્સપોર્ટર તથા ત્રણ વકીલો રજત, મુકેશ અને નરેન્દ્ર સૈનીએ સાથે મળીને GSTના રીફન્ડનું કૌભાંડ રચ્યું હતું, જેમાં આ ટોળકીએ GST વિભાગ પાસેથી ૫૪ કરોડ રૂપિયાનું રીફન્ડ મેળવી લીધું હતું. આ રીફન્ડ મેળવવા માટે આ ટોળકીએ ૫૦૦ નકલી કંપનીઓ માત્ર પેપર પર બનાવી હતી અને રીફન્ડ મેળવવા માટે ૭૧૮ કરોડ રૂપિયાનાં બનાવટી ઇન્વૉઇસ બનાવ્યાં હતાં.
દિલ્હીના ઍન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ આ ટુકડીને પકડી લીધી હતી અને આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
ADVERTISEMENT
GST ઑફિસર બબીતા શર્માએ આ પ્લાન ઘડી કાઢ્યો હતો અને ૯૬ બનાવટી કંપનીઓનાં ૩૫.૫૧ કરોડ રૂપિયાનાં રીફન્ડ ૨૦૨૧ અને ૨૦૨૨માં મંજૂર કર્યાં હતાં. પહેલા વર્ષે માત્ર ૭ લાખ રૂપિયાનાં રીફન્ડને મંજૂર કરવામાં આવ્યાં હતાં, પણ બીજા વર્ષે તેણે રીફન્ડમાં સપાટો બોલાવ્યો હતો. રીફન્ડની અરજી આવે કે ત્રણ દિવસમાં એ મંજૂર કરી દેવામાં આવતી હતી. ૨૦૨૧માં તેની ટ્રાન્સફર વૉર્ડ-છમાંથી વૉર્ડ-બાવીસમાં કરવામાં આવી હતી ત્યારે ૫૩ કંપનીઓએ પણ તેમની કંપનીઓને વૉર્ડ-બાવીસમાં માઇગ્રેટ કરવા અરજી કરી હતી. આના પગલે વિજિલન્સ વિભાગને શંકા ગઈ હતી અને તેમણે તપાસ શરૂ કરી હતી. તેણે ૪૮ કંપનીઓને ૧૨.૩૨ કરોડ રૂપિયાનું રીફન્ડ મંજૂર કર્યું હતું.
ત્રણ વકીલોએ તેમના અને તેમના પરિવારના સભ્યોનાં નામે આશરે ૧૦૦૦ બૅન્ક-અકાઉન્ટ તૈયાર કર્યાં હતાં, જેમાં આ રીફન્ડ જમા કરવામાં આવતું હતું. આ ત્રણ વકીલોએ એક જ ઈમેઇલ આઇડી અને મોબાઇલ નંબર પર ૨૩ કંપનીઓ બનાવી હતી. આ કંપનીઓએ ૧૭૩ કરોડ રૂપિયાનાં બનાવટી ઇન્વૉઇસ તૈયાર કર્યાં હતાં.
એક કંપનીના માલિક મનોજ ગોયલ બીજા બે ટ્રાન્સપોર્ટરો સુરજીત સિંહ અને લલિત કુમાર સાથે આ કૌભાંડમાં સામેલ હતા. તેઓ કોઈ પણ સર્વિસ આપ્યા વિના માત્ર બનાવટી ઈ-બિલ જનરેટ કરતા હતા. તેમને આ માટે નાણાં મળતાં હતાં.