માર્ચ મહિનામાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)નું કુલ કલેક્શન ૨,૦૦,૦૬૪ કરોડ રૂપિયા રહ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
માર્ચ મહિનામાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)નું કુલ કલેક્શન ૨,૦૦,૦૬૪ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૨૫ના માર્ચ મહિનામાં આ આંકડો ૧,૮૩,૮૪૫ કરોડ રૂપિયા હતો. આમ એ ૮.૮ ટકાનો વધારો દર્શાવે છે. મજબૂત સ્થાનિક અર્થતંત્ર અને આયાત સંબંધિત GST કલેક્શનમાં ૧૭.૮ ટકાના તીવ્ર વધારાને કારણે આ વધારો જોવા મળ્યો છે. ડેટા અનુસાર સ્થાનિક આવક ૫.૯ ટકા વધીને ૧.૪૬ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ છે, જ્યારે આયાત આવક ૧૭.૮ ટકા વધીને ૫૩,૮૬૧ કરોડ રૂપિયા થઈ છે.
ઘરગથ્થુ ચીજવસ્તુઓ પર GST વાર્ષિક ધોરણે ૫.૯ ટકા વધ્યો છે. ૨૨,૦૭૪ કરોડ રૂપિયાના રીફન્ડને બાદ કરતાં માર્ચમાં ચોખ્ખું GST કલેક્શન વાર્ષિક ધોરણે ૮.૨ ટકા વધીને ૧,૭૭,૯૯૦ કરોડ રૂપિયા થયું છે.
ADVERTISEMENT
સંપૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ માટે કુલ GST વસૂલાત ૮.૩ ટકા વધીને ૨૨.૨૭ લાખ કરોડ રૂપિયા થઈ છે, જે પાછલા નાણાકીય વર્ષ (નાણાકીય વર્ષ ૨૦૨૫)માં ૨૦.૫૫ લાખ કરોડ
રૂપિયા હતી.
વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે આ ઘરઆંગણે મજબૂત આર્થિક પ્રવૃત્તિ દર્શાવે છે. વધુમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ માટે ચોખ્ખી GST વસૂલાત (રીફન્ડ સિવાય) ૧૯.૩૪ લાખ કરોડ રૂપિયા રહી હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫ની સરખામણીમાં ૭.૧ ટકાનો વધારો દર્શાવે છે.
