ગરમી અને આમરસથી અસ્વસ્થતા અનુભવતા પ્રભુને ૧૪ દિવસ માટે આરામ કરવા દેવાય છે
આ દરમ્યાન મંદિર બંધ રહે છે
રાજસ્થાનના કોટામાં આવેલું ઐતિહાસિક જગદીશ મંદિર ૩૦૦ વર્ષ જૂની અનોખી પરંપરાનું પાલન આજે પણ કરે છે. અહીં દર જેઠ મહિનાની પૂર્ણિમાએ ભગવાનની આવભગત થાય છે. ૩૦૦ વર્ષ જૂની પરંપરા મુજબ ભીષણ ગરમી પડે એટલે ભગવાનને પાણી ભરેલા ૫૧ કળશથી સ્નાન કરાવવામાં આવે છે અને એ પછી ૨૦૦ કિલોનો કેરીના રસનો ભોગ ધરાવાય છે. જોકે આ પછી ભગવાન માંદા પડી જાય છે. ગરમી અને આમરસથી અસ્વસ્થતા અનુભવતા પ્રભુને ૧૪ દિવસ માટે આરામ કરવા દેવાય છે. આ દરમ્યાન મંદિર બંધ રહે છે. જેઠ પૂર્ણિમાનાં અનુષ્ઠાનો પૂરા થયા પછી રાતે નવ વાગ્યે મંદિરના કપાટ બંધ થાય છે જે ૧૪ દિવસ પછી ખૂલે છે. ભગવાનને આરામમાં અડચણ ન આવે એ માટે મંદિરમાં ઘંટને પણ કપડાંથી ઢાંકી દેવામાં આવે છે. આ ૧૪ દિવસ દરમ્યાન પૂજારી ભગવાનને દૂધ અને કાળાં મરીનો કાઢો અર્પણ કરે છે જે તેમને સાજા થવામાં મદદ કરતો હોવાની માન્યતા છે.
