બોગસ મતદાતાઓને મતદાતા સૂચિમાંથી બાકાત કરવા માટે જ મતદાતા સૂચિની સાથે આધારને લિન્ક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકાર દ્વારા આધારને મતદાતા સૂચિની સાથે જોડવા માટેના નિયમો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. ગઈ કાલે સાંજે મુખ્ય ચૂંટણી કમિશનર પદેથી નિવૃત્ત થનારા સુશીલ ચન્દ્રાએ વધુ જણાવ્યું હતું કે મતદાતાઓ માટે આધારની વિગતો આપવી સ્વૈચ્છિક રહેશે. જોકે એમ ન કરનારાઓએ એના માટે ‘પૂરતાં કારણો’ આપવાં પડશે.
બોગસ મતદાતાઓને મતદાતા સૂચિમાંથી બાકાત કરવા માટે જ મતદાતા સૂચિની સાથે આધારને લિન્ક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુશીલ ચન્દ્રાએ જણાવ્યું હતું કે ‘આધાર નંબર્સ ન આપવા માટે મતદાતાઓએ પૂરતાં કારણ આપવાં પડશે. કારણ કોઈ પણ હોઈ શકે છે, જેમ કે આધાર કાર્ડ નથી કે આધાર માટે અપ્લાય કર્યું નથી કે તેઓ જે કંઈ પણ વિચારી શકે એ બીજું કોઈ પણ કારણ આપી શકે છે. હું બીજા કોઈ કારણનો વિચાર કરી શકતો નથી.’