G20 Summit 2023 : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સહિત વિશ્વના ટોચના નેતાઓ ભારત પહોંચશે. સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ કોરોના પોઝિટિવ હોવાથી નહીં આવે.
ફાઈલ તસવીર
નવી દિલ્હીમાં જી-20 સમિટ (G20 Summit 2023) માટેની તૈયારીઓ લગભગ હવે પૂર્ણ થવામાં છે. 9-10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી G20 સમિટ 2023 માટે વિશ્વના અનેક નેતાઓનું ભારતમાં આગમન હવે શરૂ થઈ ગયું છે. વએક પછી એક નેતાઓ ભારત પહોંચી રહ્યા છે.
દિલ્હીમાં યોજાનારી g20 સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden), બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, જાપાનના પીએમ ફિમિયો કિશિદા, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ વગેરે વિશ્વના ટોચના નેતાઓ ભારત પહોંચશે.
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ તીનુબુ જી-20 સમિટ 2023માં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચી ગયા છે. દિલ્હી એરપોર્ટ પર રાજ્યમંત્રી એસપી સિંહ બઘેલ તેમનું સ્વાગત કરવા પહોંચી ગયા હતા. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના ડિરેક્ટર જનરલ ડૉ. નોજી ઓકોન્જો ઈવેલા પણ ગુરુવારે રાત્રે જ નવી દિલ્હી પહોંચ્યા હતા.
IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવા પણ G20 સમિટ 2023 માટે ભારત પહોંચ્યા છે. આ સાથે યુરોપિયન યુનિયન કમિશનના પ્રમુખ ઉર્સુસુલા વોન ડેર લેયન, મોરેશિયસના પીએમ પ્રવિંદ કુમાર જગન્નાથ, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ માઈકલ પણ જી-20 સમિટ 2023 માટે ભારત પહોંચ્યા છે.
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા પણ G20 સમિટ 2023 માટે ભારત આવવાના છે. તમને જણાવી દઈએ કે આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા રિપબ્લિક, રશિયા, મેક્સિકો, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, બ્રિટન, અમેરિકા અને યુરોપિયન યુનિયનના સભ્યો G20 સમિટમાં ભાગ લેવાના છે.
આ સિવાય નેધરલેન્ડ, સિંગાપોર, સ્પેન, સંયુક્ત આરબ અમીરાત, ઓમાન, બાંગ્લાદેશ, ઈજીપ્ત, મોરેશિયસ અને નાઈજીરીયાને ગેસ્ટ કન્ટ્રી તરીકે બોલાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર G20 સમિટ 2023 માટેનું આમંત્રણ યુક્રેનને મોકલવામાં આવ્યું નથી.
કયા નેતાઓ G20 સમિટમાં નહીં લે ભાગ?
G20 સમિટમાં ભાગ લેવા માટે વિશ્વના ટોચના નેતાઓ ભારત પહોંચી રહ્યા છે પરંતુ કેટલાક નેતાઓ એવા છે જેઓ આ સંમેલનમાં ભાગ લઈ શકશે નહીં. આવા નેતાઓમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતમાં યોજાનારી G20 સમિટ 2023માં ભાગ લેવા માટે ભારત આવી રહ્યા નથી. આ સાથે જ સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ પણ ભારત આવવાના નથી. જો કે પેડ્રો સાંચેઝ ભારત આવવાના હતા પરંતુ તાજેતરમાં જ તેમની સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવી હતી તેમાં તે કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. કોરોના સંક્રમિત થયાં હોવઅને કારણે તેમની G20 સમિટ માટે ભારત આવવાની યોજના રદ કરવામાં આવી છે.
G-20 સમિટ પ્રગતિ મેદાન ખાતે નવનિર્મિત આંતરરાષ્ટ્રીય સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર ભારત મંડપમ ખાતે યોજાશે. આ કોન્ફરન્સમાં ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, યુરોપિયન યુનિયનના ઉચ્ચ અધિકારીઓ અને આમંત્રિત દેશોમાંથી નેતાઓ હાજરી આપશે.


