આગની જ્વાળાઓ નૈનીતાલમાં હાઈ કોર્ટની કૉલોની પાસે આવી પહોંચી છે.
ઉત્તરાખંડનાં જંગલની આગ
ઉત્તરાખંડનાં જંગલોમાં છેલ્લા ૪૮ કલાકથી વિકરાળ બનેલી આગની જ્વાળાઓ ગઈ કાલે નૈનીતાલમાં આવેલા ઇન્ડિયન ઍરફોર્સના સ્ટેશન સુધી અને હાઈ કોર્ટની કૉલોની સુધી પહોંચી ગઈ હતી. આગ બુઝાવવા માટે નૈનીતાલ તળાવમાંથી હેલિકૉપ્ટર દ્વારા પાણી લેવામાં આવી રહ્યું છે અને એને લીધે તળાવમાં બોટિંગની ઍક્ટિવિટી બંધ કરી દેવામાં આવી છે.
નૈનીતાલ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે ૪૦ અધિકારીઓને આગ બુઝાવવાની કામગીરી સોંપી છે. છેલ્લા ૩૬ કલાકમાં ઉત્તરાખંડના કુમાઉં વિસ્તારમાં આગના ૨૬ અને ગઢવાલ વિસ્તારમાં પાંચ કેસ નોંધાયા છે. જંગલના આશરે ૩૩.૩૪ હેક્ટર વિસ્તારને આગને કારણે નુકસાન થયું છે.
આગ વિશે જાણકારી આપતાં ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર ધામીએ કહ્યું કે ‘નૈનીતાલ પર મોટી આગનો ખતરો મંડરાઈ રહ્યો છે. અમે આગ બુઝાવવાની કામગીરીમાં મદદ કરવા માટે આર્મીની મદદ માગી છે. ગઈ કાલે આ મુદ્દે હલ્દવાનીમાં બેઠક યોજાઈ હતી અને દેહરાદૂનમાં પણ બેઠક યોજાશે. આગ બુઝાવવા માટે યુદ્ધના સ્તરે કામ ચાલી રહ્યું છે.’
ADVERTISEMENT
આગની જ્વાળાઓ નૈનીતાલમાં હાઈ કોર્ટની કૉલોની પાસે આવી પહોંચી છે. આ વિસ્તારના લોકોની સલામતી માટેનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. આગને કારણે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે.
નૈનીતાલ સુધરાઈએ નૈનીતાલ તળાવમાંથી પાણી લેવા માટે આર્મીનાં હેલિકૉપ્ટરોને મંજૂરી આપી છે એને લીધે આ તળાવમાં બોટિંગની ઍક્ટિવિટી બંધ કરી દેવામાં આવી છે.
આગ નૈનીતાલમાં ઘણા વિસ્તારો સુધી પહોંચી ગઈ છે. ઍરફોર્સ સ્ટેશનની નજીક આગની જ્વાળાઓ પહોંચી ગઈ છે. ઍરફોર્સ સ્ટેશનની સલામતી માટે હેલિકૉપ્ટરથી પાણી છાંટવામાં આવી રહ્યું છે.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે ‘નૈનીતાલના પ્રસિદ્ધ વિસ્તાર ધ પાઇન્સ સુધી આગની જ્વાળાઓ પહોંચી ગઈ છે અને આગમાં જૂનાં
અને ખાલી ઘર સ્વાહા થઈ ગયાં છે. હાઈ કોર્ટ કૉલોનીને પણ નુકસાન પહોંચ્યું છે.’

