વંદે ભારત એક્સપ્રેસ માઇનસ ૨૦ ડિગ્રીમાં પણ દોડશે, ટ્રેનમાં હીટિંગ સિસ્ટમ પણ
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ અને કાશ્મીરમાં પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શુક્રવારથી શરૂ થશે, જે શ્રીનગર અને કટરા વચ્ચેનું અંતર માત્ર ૩ કલાકમાં કાપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એને લીલી ઝંડી આપશે. શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને શ્રીનગર વચ્ચે બે ટ્રેનો દોડશે અને બન્ને શહેરો વચ્ચેનું અંતર ૬થી ૭ કલાકથી ઘટાડીને ફક્ત ૩ કલાકમાં કલાક કાપશે.
લોકાર્પણમાં વિલંબ કેમ?
ADVERTISEMENT
આ ટ્રેનનું ઉદ્ઘાટન એપ્રિલ મહિનામાં થવાનું હતું, પરંતુ ખરાબ હવામાન અને પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે એ મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે હવામાન સામાન્ય છે એટલે ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે.
હાઈ-ટેક સુવિધાઓ
કાશ્મીર માટે બનાવવામાં આવેલી વંદે ભારત એક્સપ્રેસ ખાસ કરીને ઠંડીના હવામાનને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. ટ્રેનમાં હીટિંગ સિસ્ટમ અને ઑટોમૅટિક દરવાજા જેવી હાઈ-ટેક સુવિધાઓ હશે, જેથી માઇનસ ૨૦ ડિગ્રી તાપમાનમાં પણ દોડવામાં કોઈ સમસ્યા ન થાય. ટ્રેનના ડ્રાઇવરો માટે ઍન્ટિ-સ્પૉલ લેયરની સુવિધા મળશે જે ડ્રાઇવરને હિમવર્ષા કે તોફાન જેવી મુશ્કેલ હવામાન પરિસ્થિતિઓમાં ટ્રેનને સુરક્ષિત રીતે ચલાવવામાં મદદ કરશે. વંદે ભારત ટ્રેન વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલવે આર્ચ બ્રિજ અને અંજી પુલ પરથી પસાર થશે.
૧૧૯ કિલોમીટરની ટનલ
૨૭૨ કિલોમીટર લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિન્ક (USBRL) પર વંદે ભારત ટ્રેન દોડવાની છે. આ પ્રોજેક્ટમાં ૧૧૯ કિલોમીટર ટનલનો સમાવેશ થાય છે. આ લિન્કનો સૌથી ખતરનાક ભાગ ૧૧૧ કિલોમીટર લાંબો કટરા-બનિહાલ સેક્શન છે જે જાન્યુઆરીમાં પૂરો થયો હતો.
‘મેક ઇન ઇન્ડિયા’ની મોટી સફળતા
આ ટ્રેન ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ ભારતમાં ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવી છે. આ દેશની પહેલી સેમી-હાઈ સ્પીડ ટ્રેન છે જે મધ્યમથી લાંબા અંતરની મુસાફરીને ઝડપી તો બનાવે જ છે, પરંતુ મુસાફરીને આરામદાયક અને સલામત પણ બનાવે છે. હાલમાં શ્રીનગર અને કટરા વચ્ચે રોડમાર્ગે મુસાફરી કરવામાં ૬થી ૭ કલાક લાગે છે, પરંતુ વંદે ભારતની શરૂઆત સાથે મુસાફરો ફક્ત ૩ કલાકમાં શ્રીનગરથી કટરા અથવા કટરાથી શ્રીનગર પહોંચી શકશે. આનાથી ખાસ કરીને યાત્રાળુઓ, સ્થાનિક લોકો અને પર્યટનને ફાયદો થશે.

