પીડિતાના પપ્પાએ કર્યો આ દાવો : એટલું જ નહીં, પોલીસે કોરા કાગળ પર સહી કરાવવાની પણ કોશિશ કરી હોવાનું તેમણે કહ્યું : કલકત્તાના રેપ-મર્ડરને એક મહિનો થશે, પણ આખા દેશને હચમચાવનારા આ કૃત્યમાં નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે
પ્રતીકાત્મક તસવીર
કલકત્તામાં થયેલા ટ્રેઇની ડૉક્ટરના રેપ-મર્ડર કેસમાં આટલા દિવસ બાદ પણ વિવાદ શમી નથી રહ્યો. પશ્ચિમ બંગાળ સરકારે આ ઘટનાને પગલે મહિલાઓની સુરક્ષા માટે અપરાજિતાના નામે બિલ પણ પસાર કરી દીધું છે અને આખા દેશને હચમચાવી નાખનારી આ ઘટનાને એક મહિનો થવા આવ્યો છે ત્યારે પીડિતાના પરિવારે કલકત્તા પોલીસે આ કેસને દબાવી દેવા શું કારસ્તાન કર્યાં હતાં એનો ખુલાસો કર્યો હતો.
પીડિતાના પપ્પાએ કહ્યું હતું કે ‘શરૂઆતથી જ પોલીસ આ કેસ દબાવી દેવા માગતી હતી. અમને અમારી દીકરીનો મૃતદેહ પણ જોવા નહોતો મળ્યો. અમને પોલીસ-સ્ટેશનમાં બેસાડીને તેના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ અમને મૃતદેહ સોંપતી વખતે કલકત્તા પોલીસે પૈસાની ઑફર કરી હતી પણ અમે તેમને તરત જ ના પાડી દીધી હતી.’
ADVERTISEMENT
તેમણે પોલીસના પ્રેશર વિશે કહ્યું હતું કે ‘અમે ઉતાવળમાં અંતિમ સંસ્કાર કરવાને બદલે તપાસ પૂરી થાય ત્યાં સુધી મૃતદેહ રાખી મૂકવા માગતા હતા, પણ અમારા પર બહુ જ પ્રેશર નિર્માણ કરવામાં આવ્યું હતું. અમે ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં ૩૦૦ પોલીસના જવાનો હતા. તેમણે એવી પરિસ્થિતિ નિર્માણ કરી કે અમારે નાછૂટકે દીકરીના અંતિમ સંસ્કાર કરવા પડ્યા. અમુક પોલીસના અધિકારીઓએ મારી પાસે કોરા કાગળ પર સહી કરાવવાની કોશિશ કરી હતી, પણ મેં એ પેપર ફાડીને ફેંકી દીધાં હતાં.’
ગયા મહિનાની નવમી તારીખે આ ઘટના બની હોવા છતાં પીડિતાને ન્યાય ન મળ્યો હોવાથી કલકત્તામાં ડૉક્ટરો હજી પણ હડતાળ પર છે. સુપ્રીમ કોર્ટ અને ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA)એ પણ તેમને હડતાળ પાછી ખેંચવા કહ્યું છે પણ તેઓ કોઈની વાત માનવા તૈયાર નથી. પીડિતાની મમ્મીએ પણ કહ્યું છે કે ‘હું સૂઈ નથી શકતી. હું ચાહું છું કે ક્રિમિનલ્સની પણ ઊંઘ હરામ થઈ જાય. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેવો જોઈએ.’
કલકત્તામાં બત્તી ગુલ
બુધવારે રાત્રે નવથી દસ વાગ્યા દરમ્યાન ‘રીક્લેમ ધ નાઇટ’ અભિયાન હેઠળ પીડિતાને ન્યાય અપાવવા માટે એક કલાક માટે લાઇટ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં કલકત્તામાં બત્તી ગુલ જેવાં દૃશ્યો સર્જાયાં હતાં અને મોટી સંખ્યામાં લોકોએ કૅન્ડલ-માર્ચ પણ કાઢી હતી.