આજે કોઈ પણ હિસાબે દિલ્હીમાં કૂચ કરવાની યોજના છે કિસાનોની
દિલ્હી-ગુરુગ્રામ સરહદ પર ખેડૂતોના આંદોલનને પગલે પોલીસે ઠેર-ઠેર આવાં ભારે વાહનો ઊભાં કરીને એન્ટ્રી બંધ કરી દીધી છે. પી.ટી.આઇ.
નવી દિલ્હી : વિવિધ માગણીઓના ટેકામાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ રાજધાની દિલ્હીમાં તેમના ટ્રેક્ટરો સાથે કૂચ કરવાની તૈયારી કરી લીધી છે. બીજી બાજુ તેમને કોઈ પણ હિસાબે રોકવા માટે સરકારે પણ કમર કસી લીધી છે. દિલ્હીમાં આખા મહિના માટે પ્રતિબંધિત ૧૪૪મી કલમ અમલી કરવામાં આવી છે અને ખેડૂતોને મનાવવા માટેના પ્રયાસો પણ સરકારના ચાલુ છે. સરકારના બે પ્રધાનો પીયૂષ ગોયલ અને અર્જુન મુંડા ગઈ કાલે સાંજે ખેડૂતો સાથે બીજા દૌરની મંત્રણા કરી હતી. જોકે એમાંથી કશું નક્કર હજી સુધી નીકળ્યું નથી.ખેડૂતોએ આજે ટ્રેક્ટર, બસ અને અન્ય સાધનોથી દિલ્હી કૂચ કરવાની જાહેરાત કર્યા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે. આને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની તમામ સરહદો પર કિલ્લેબંધીની તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ આજથી બે દિવસ માટે બોર્ડર પર ટ્રાફિક વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ખેડૂતોની ‘દિલ્હી-ચલો’ કૂચને લઈને સિંધુ બોર્ડર સહિત પૂર્વોત્તર જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની ભીડ એકઠી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત બોર્ડર પર કાંટાળા તાર, ક્રેન્સ અને લોખંડના ખીલ્લાઓ લગાવવામાં આવી રહ્યા છે. તો સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા પણ દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.

