Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ખેડૂતોનાં આંદોલનમાં હતાં બદામથી લઈને બ્લેન્કેટ લંગર

ખેડૂતોનાં આંદોલનમાં હતાં બદામથી લઈને બ્લેન્કેટ લંગર

21 November, 2021 02:17 PM IST | Amritsar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભોજનથી લઈને દવાઓ સુધી, અનેક લંગર-સેવાઓના કારણે ખેડૂતોનું આંદોલન લગભગ એક વર્ષ સુધી ટકી શક્યું

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિકાયદાઓને રદ કરવાની શુક્રવારે જાહેરાત કરી હતી. આમ છતાં, ખેડૂતો આ આંદોલનનો અંત લાવવાના મૂડમાં નથી. જોકે, આ આંદોલન આટલા
લાંબા સમય સુધી ટકી શક્યું છે એમાં લંગર-સેવાની ખૂબ જ મોટી ભૂમિકા રહી છે. 
આ આંદોલન શરૂ થયું હતું ત્યારે કોઈએ ભોજનનો વિચાર નહોતો કર્યો. બસ, ત્યારે જ લંગરની પરંપરાથી તેમને મદદ મળી હતી. ખેડૂતો વિરોધ-પ્રદર્શનના સ્થળે બેઠા કે એના કલાકોમાં જ અનેક લોકોએ તેમને ભોજન પૂરું પાડવાનું શરૂ કર્યું હતું. એના થોડા જ દિવસોમાં પ્રદર્શનકર્તાઓએ બ્રેડ-મેકિંગ મશીન ઊભું કર્યું હતું. સાથે જ ભોજન બનાવવાની અને એને ખેડૂતો સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. 
ભૈંસવાલ ગામના લોકોએ દરરોજ ગાઝીપુર બૉર્ડર પર વિરોધ-પ્રદર્શનના સ્થળે દૂધ પહોંચાડવાનું શરૂ કર્યું હતું. કોઈએ બુક્સ તો કોઈએ દવાઓ મોકલાવી હતી. અહીં ચાલેલાં જુદાં-જુદાં લંગર પર એક નજર કરીએ... 
પીત્ઝા લંગર
અમૃતસરમાં પાંચ મિત્રો દ્વારા પીત્ઝા લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લંગરની દેશભરમાં ખૂબ જ ચર્ચા થઈ હતી. તેમણે લગભગ ૪૦૦ ખેડૂતોને પીત્ઝા પહોંચાડ્યા હતા. પીત્ઝા લંગર બદલ ખેડૂતોની ખૂબ ટીકા પણ થઈ હતી. આ ગ્રુપે બાદમાં ખુલાસો કર્યો હતો કે તેમની પાસે ચપાટી અને દાળ તૈયાર કરવા માટે પૂરતો સમય નહોતો એટલે તેમણે ખેડૂતોને પીત્ઝા પહોંચાડ્યા હતા. 
ગોલગપ્પા લંગર
ક્રિસમસ પર ગોલગપ્પા લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ એને ખૂબ માણ્યું હતું. હરિયાણાના સિરસાની સાત વ્યક્તિઓના એક ગ્રુપે આ લંગરનું આયોજન કર્યું હતું. 
બદામ લંગર
બે એનઆરઆઇ બંધુઓએ દિલ્હીની બૉર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો માટે આ લંગરનું આયોજન કર્યું હતું. બીજા કેટલાક મદદગારોએ પણ ખેડૂતો માટે ડ્રાય ફ્રૂટ્સ મોકલ્યાં હતાં. 
બ્લેન્કેટ લંગર
શિયાળામાં તાપમાન ખૂબ જ ઘટી ગયું હતું ત્યારે ઇન્ટરનૅશનલ એનજીઓ ખાલસા એઇડે બ્લેન્કેટ લંગરનું આયોજન કર્યું હતું. તેમણે બ્લેન્કેટ્સ, થર્મલ ઇનરવેર અને વૂલન સૉક્સ વહેંચ્યાં હતાં. 
લાઇબ્રેરી લંગર
ઑક્સફર્ડ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ ગુરિન્દર સિંહે આ લંગરનું આયોજન કર્યું હતું જેથી યુવા પ્રદર્શનકર્તા ખેડૂતો પ્રદર્શન દરમિયાન તેમના સમયનો સારી રીતે ઉપયોગ કરી શકે. ગુરિન્દરે પ્રદર્શનના સ્થળે ‘સાહિત્ય કૉર્નર’ વિકસાવ્યો હતો જ્યાં ખેડૂતો પુસ્તકો વાચે અને એના પર ચર્ચા કરે છે. 
ઍમ્બ્યુલન્સ અને હેલ્થ લંગર
પંજાબના વિવિધ વૉલન્ટિયર્સ દ્વારા ઍમ્બ્યુલન્સિસ અને વિવિધ હેલ્થ ચેક-અપ સેન્ટર્સ ચલાવવામાં આવતાં હતાં. એમબીબીએસના અનેક વિદ્યાર્થીઓ અહીં સેવા આપી રહ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2021 02:17 PM IST | Amritsar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK