કૉન્ગ્રેસના નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે હું તો ૨૬/૧૧ના મુંબઈ-અટૅકનો બદલો લેવા માગતો હતો, પણ...
પી. ચિદમ્બરમ
તત્કાલીન ગૃહપ્રધાને એક ન્યુઝ-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુથી ખળભળાટ
અમેરિકન પ્રેસિડન્ટના કહેવાથી ઑપરેશન સિંદૂર કેમ અટકાવી દીધું અને સીઝફાયર કેમ સ્વીકારી લીધું એવા સવાલો મોદી સરકારને પૂછતી કૉન્ગ્રેસ પાર્ટીના ભૂતકાળનો ચિઠ્ઠો તેમની જ પાર્ટીના એક મોટા નેતાએ તાજેતરમાં ખુલ્લો કરી નાખ્યો છે. કૉન્ગ્રેસના નેતા અને મનમોહન સિંહની સરકારમાં ગૃહપ્રધાન રહી ચૂકેલા પી. ચિદમ્બરમે એક ન્યુઝ-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં મુંબઈ પર થયેલા અટૅક વિશે કહ્યું હતું કે અમેરિકાના પ્રતિનિધિએ ભારતને યુદ્ધ ન કરવા કહ્યું હતું અને કૉન્ગ્રેસે આંતરરાષ્ટ્રીય દબાવમાં આવીને કોઈ સૈન્ય-કાર્યવાહી નહોતી કરી. તેમણે કહ્યું હતું કે ‘મુંબઈ પર થયેલા ૨૬/૧૧ના આતંકવાદી હુમલા પછી UPA સરકારે આંતરરાષ્ટ્રીય દબાવ અને ખાસ કરીને અમેરિકા અને અમેરિકાના વિદેશ મંત્રાલયની સલાહને કારણે પાકિસ્તાન વિરુદ્ધ સૈન્ય-કાર્યવાહી નહોતી કરી. મારા મનમાં બદલાની કાર્યવાહી કરવાનો વિચાર આવ્યો હતો, પરંતુ સરકારે કોઈ સૈન્ય-કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો હતો. પૂરી દુનિયા એ વખતે દિલ્હી ઊતરી આવી હતી અને અમને યુદ્ધ ન કરવા માટે કહી રહી હતી. મેં ચાર્જ સંભાળ્યો એને બે-ત્રણ દિવસ જ થયા હતા અને એ વખતનાં અમેરિકન વિદેશપ્રધાન કૉન્ડોલીઝા રાઇસ મને અને તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને મળવા આવ્યાં હતાં. તેમણે કહેલું કે પ્લીઝ, કશું રીઍક્શન ન આપો. મારા મનમાં બદલાની કાર્યવાહીનો વિચાર આવ્યો હતો, પરંતુ મેં કહેલું કે આ એવો નિર્ણય છે જે સરકાર લેશે. મેં જવાબી કાર્યવાહી કરવા વિશે વડા પ્રધાન અને અન્ય જવાબદાર લોકો સાથે ચર્ચા પણ કરી હતી. જોકે વિદેશ મંત્રાલયનું માનવું હતું કે સીધો હુમલો ન કરવો જોઈએ.’
ADVERTISEMENT
આ કબૂલાતનામા પર BJPએ શું પ્રતિક્રિયા આપી?
કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ સોશ્યલ મીડિયા પર ઇન્ટરવ્યુની ક્લિપ પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘ભૂતપૂર્વ ગૃહપ્રધાને સ્વીકારી લીધું. દેશ પહેલેથી જ જાણતો હતો કે મુંબઈ પર થયેલા હુમલાને વિદેશી તાકાતોના દબાણ હેઠળ યોગ્ય રીતે હૅન્ડલ કરવામાં નથી આવ્યો.’
BJPના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે ‘ચિદમ્બરમ મુંબઈના અટૅક પછી ગૃહપ્રધાનપદ સ્વીકારવા માટે અચકાઈ રહ્યા હતા. તેઓ તો પાકિસ્તાન પર કાર્યવાહી કરવા માગતા હતા, પણ બાકીના લોકો તેમના પર હાવી થઈ ગયા.’
નાણામંત્રાલય છોડવું નહોતું
લાંબો સમય નાણાપ્રધાન રહ્યા પછી આ હુમલા દરમ્યાન જ પી. ચિદમ્બરમને ગૃહપ્રધાન બનાવવામાં આવ્યા હતા એ તેમને ગમ્યું નહોતું. એ વિશે પણ તેમણે ખૂલીને કહ્યું હતું કે ‘વડા પ્રધાને મને ફોન કરીને કહેલું કે કૉન્ગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમનો આ સંયુક્ત નિર્ણય છે. હું નાણાં ખાતું છોડવા નહોતો માગતો, કેમ કે મેં પાંચ બજેટ રજૂ કર્યાં હતાં અને એક વર્ષ પછી ચૂંટણી આવી રહી હતી.’


