Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લાખો મહિલાઓના જીવનમાં પ્રકાશ પાથરનારી સેવાનો દીપ બુઝાઈ ગયો

લાખો મહિલાઓના જીવનમાં પ્રકાશ પાથરનારી સેવાનો દીપ બુઝાઈ ગયો

03 November, 2022 02:48 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

સેવાના ટૂંકા નામે વધારે પૉપ્યુલર થયેલા સેલ્ફ-એમ્પ્લૉઇડ વિમેન્સ અસોસિએશનનાં સ્થાપક અને મહિલાઓને સ્વનિર્ભર કરવાનો ભેખ લેનારાં ઇલાબહેન ભટ્ટનું ગઈ કાલે ઉંમરગ્રસ્ત બીમારીને કારણે ૮૯ વર્ષે અવસાન થયું

ઇલા ભટ્ટ

શ્રદ્ધાંજલિ

ઇલા ભટ્ટ


રેમન મૅગ્સેસે અવૉર્ડ મેળવનારાં જગતનાં પહેલાં ગુજરાતી મહિલા અને પદ્મશ્રી તથા પદ્મભૂષણ જેવા દેશના સર્વોચ્ચ એવા બે ખિતાબ ઉપરાછાપરી બે વર્ષમાં મેળવનારાં ઇલાબહેન ભટ્ટનું ગઈ કાલે બપોરે ૧૨.૨૦ વાગ્યે અમદાવાદમાં નિધન થયું. ઇલાબહેન ભટ્ટની ઉંમર ૮૯ વર્ષ હતી. છેલ્લા થોડા સમયથી તે ઉંમરગ્રસ્ત બીમારીથી પીડાતાં હતાં.

માત્ર ગુજરાત કે મહારાષ્ટ્ર જ નહીં, દેશનાં તમામ રાજ્યોની લાખો મહિલાઓને સ્વનિર્ભર કરવાનો ભેખ લેનારાં ઇલાબહેન ગાંધી વિચારધારામાં પ્રચંડ વિશ્વાસ ધરાવતાં હતાં. ત્રણ વર્ષ પહેલાં ‘મિડ-ડે’ સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું, ‘ગાંધી વિચારધારા આજના આ મૉડર્ન સમયમાં પણ એટલી જ પ્રસ્તુત છે જેટલી એ સમયે હતી. જરૂર છે તો વિશ્વાસની, જો વિશ્વાસ રાખો તો આજે પણ એ વિચારધારા ક્રાન્તિ લાવવાને સક્ષમ છે.’



૧૯૩૩ની ૭મી સપ્ટેમ્બરે અમદાવાદમાં જન્મેલાં ઇલાબહેન ભટ્ટનું ફૅમિલી સુશિક્ષિત હોવાથી તેમને નાનપણથી જ શિક્ષણ પ્રત્યે જાગૃતિનું વાતાવરણ મળ્યું. સુરતમાં તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે ગ્રૅજ્યુએશન કર્યું અને એ પછી અમદાવાદમાં ઇલાબહેને લૉમાં માસ્ટર્સ કર્યું. જે સમયે મહિલાઓ ઘરની બહાર નીકળવાનું પણ વિચારતી નહીં એ સમયે તેમણે કરીઅરની શરૂઆત કરી અને એસએનડીટી મહિલા યુનિવર્સિટીમાં પ્રોફેસરની જૉબ લીધી અને એ પછી તેઓ ટેક્સટાઇલ લેબર અસોસિએશન સાથે જોડાયાં. આ એ જ જગ્યા હતી જેણે ઇઈલાબહેનની લાઇફને ગોલ આપવાનું કામ કર્યું.


ટેક્સટાઇલ લેબર અસોસિએશને ઇલાબહેનને ઇઝરાયલની સ્ટડી ટૂર પર મોકલ્યાં, જ્યાં સેલ્ફ-ડિપેન્ડન્સી ધરાવતી મહિલાઓ, તેમની માટેના કાયદાઓ અને તેમને આપવામાં આવતી સુવિધાઓ જોઈ ઇલાબહેનના મનમાં પહેલી વાત આવી કે આ બધી વાતો તો ભારતીય મહિલાઓને વધુ તીવ્રતાથી સ્પર્શે છે. તેમણે તેમના માટે કંઈક કરવું જોઈએ. પોતાની સ્ટડી ટૂર પૂરી કરીને દેશ પાછા આવ્યા પછી ઇલાબહેને લેબર અસોસિએશનના માધ્યમથી સેલ્ફ-એમ્પ્લૉઇડ વિમેન્સ અસોસિએશન એટલે કે સેવા સંસ્થાની સ્થાપના કરી, જેણે દેશની લાખો મહિલાઓના જીવનને એક નવો માર્ગ આપવાનું કામ કર્યું.


ઘરે બેસી રોજગારી મેળવવા ઇચ્છતી કે હુન્નર જાણતી મહિલાઓને કામ મળે તથા તેને સન્માનજનક આવક મળે એ માટે સેવા સંસ્થાના માધ્યમથી ઇલા ભટ્ટે શરૂ કરેલા અનેક પ્રોજેક્ટ્સ આજે પણ કાર્યરત છે તો ઇલાબહેનને સર્જેલી સેવા સંસ્થાના મૉડલનું અનુકરણ આફ્રિકા, બંગલાદેશ અને ઇઝરાયલ જેવા દેશોએ પણ કર્યું છે અને એટલું જ નહીં, એનો સહર્ષ સ્વીકાર પણ કર્યો છે. આ જે મૉડલ બનાવવામાં આવ્યું હતું એનાથી દેશને પણ અનેક પ્રકારના લાભ થયા છે એ વાતનો સ્વીકાર એંસીના દશકનાં વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ કર્યો હતો અને આ જ કારણ હતું કે તેમને ૧૯૮પમાં પદ્મશ્રી અને એ પછી તરત જ બીજા વર્ષે ૧૯૮૬માં પદ્મભૂષણથી સન્માનિત પણ કરવામાં આવ્યા. અલબત્ત, સન્માનનું આ કાર્ય સૌથી પહેલાં તો વિદેશ દ્વારા જ થયું. ઇલાબહેનને ૧૯૭૭માં રેમન મૅગ્સેસે અવૉર્ડથી સન્માનવામાં આવ્યાં હતાં.

ઇલાબહેન મહાત્મા ગાંધીના માર્ગ પર હતાં. તેમણે જીવનભર ખાદીની સાડી પહેરી હતી. નાદુરસ્ત તબિયતને કારણે હજી ગયા મહિને જ તેમણે ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવેલી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિપદેથી રાજીનામું આપ્યું હતું, આ પદ પર તેઓ છેલ્લાં આઠ વર્ષથી હતાં. સાબરમતી આશ્રમ ટ્રસ્ટનાં તેઓ ચૅરપર્સન હતાં તો સેવા સંસ્થાની સ્થાપના જ તેમણે કરી હતી. 
ઇલાબહેન ભટ્ટનાં મૅરેજ રમેશભાઈ ભટ્ટ સાથે થયાં હતાં. ઇલાબહેનને સંતાનોમાં એક દીકરો મિહિર અને દીકરી અમીમયી છે. ઇલાબહેનના દેહાંતના સમાચાર તેમના દીકરા મિહિરે જ આપ્યા હતા. મિહિરે ભટ્ટે કહ્યું હતું, ‘છેલ્લા થોડા સમયથી તે ઘરમાં જ હતાં. તેમને સ્ટ્રોક આવી ગયો હતો પણ એ પછી તે ફરીથી ધીમે-ધીમે ચાલતાં થયાં હતાં. રોજ હીંચકે બેસે પણ તેમનું મન તો શ્રમજીવી બહેનોની ચિંતામાં જ લાગેલું રહેતું.’

ઇલાબહેનના અંતિમ સંસ્કાર આજે અમદાવાદના વીએસ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે. ઇલાબહેનની વિદાયથી લાખો શ્રમજીવી મહિલાઓએ જાણે કે મા ગુમાવી હોય એવું વાતાવરણ ઊભું થયું છે.

ગઈ કાલે તેમના દેહાંત પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ટ્વીટ કરીને શોકસંદેશો જાહેર કર્યો હતો. નરેન્દ્ર મોદીએ લખ્યું હતું, મહિલા સશક્તીકરણ, સમાજસેવા અને યુવાનોમાં શિક્ષણને આગળ વધારવા માટેના પ્રયાસો માટે તેમને દીર્ઘકાળ સુધી યાદ રાખવામાં આવશે તો ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લખ્યું હતું, મહિલાઓના આર્થિક સશક્તીકરણ થકી ઇલાબહેને અનેક પરિવારોમાં ઉત્કર્ષની જ્યોત જગાવી હતી.

ગાંધી વિચારધારા વિશે વાત કરતાં ઇલાબહેન ભટ્ટે ‘મિડ-ડે’ને શું કહ્યું હતું?

‘સત્ય અને અહિંસાનો સંદેશ આપનારા બાપુની આ વિચારાધારા આજના મૉડર્ન સમયમાં પણ પ્રસ્તુત છે. આ વિચારધારાનો અમલ ચુસ્તપણે થાય એ જોવું જોઈએ, કારણ કે આ જ વિચારધારા અને માનસિકતાને કારણે આપણા દેશને સાડાત્રણસો વર્ષની અંગ્રેજો ગુલામીમાંથી આઝાદી મળી હતી. હું એ વાત સાથે સહમત નથી કે આપણે ત્યાં ગાંધીજીને ભૂલવામાં આવ્યા છે. ના, મારું માનવું છે કે ગાંધી વિચારધારા ક્યારેય ભૂલી ન શકાય, કારણ કે એ વિચારોના આધાર પર જ આપણો દેશ આજે ઊભો છે. માત્ર ભારત જ નહીં, વિશ્વ આખું ગાંધી વિચારધારાને સ્વીકારતું હોય ત્યારે એ વિચારધારા ભુલાઈ ગઈ કે એ વિચારોનો અમલ નથી થઈ રહ્યો એવું કઈ રીતે કહી શકાય. આ પ્રકારની વાત કરવી એ પણ મારા મતે યોગ્ય નથી. ‘મહાત્મા ગાંધીનાં મૂલ્યો અને તેમના આદર્શોનો જો સામાન્ય જીવનમાં પણ અમલ કરવામાં આવે તો એ મૂલ્યો અને આદર્શોથી જીવનનું સ્તર ઉચ્ચતમ સ્થાન પર પહોંચે છે. તમામ વ્યક્તિ સમાન સ્તર પર જ હોય એ સંદેશો આપવાનું કામ મહાત્મા ગાંધીએ કર્યું હતું અને એ કામ થયા પછી જ આ દેશમાં સમાન સ્તરનો વિચાર અમલમાં મુકાયો હતો. આજે પણ આ વિચાર પ્રસ્તુત છે અને જરૂરી પણ છે. દેશનાં અનેક અંતરિયાળ ગામડાંઓ એવાં છે જ્યાં જ્ઞાતિભેદ જોવા મળતો હોય છે અને એ દૂર કરવામાં બાપુની જ વિચારધારા કામ લાગવાની છે. સત્ય અને અહિંસાનો વિચાર પણ આજના જીવનમાં જરૂરી મહત્ત્વ ધરાવે છે. મારું અંગત રીતે માનવું છે કે જો વ્યક્તિ આ બે મુદ્દાને પોતાના જીવનમાં ઉતારી લે તો સહજ રીતે એ પરિસ્થિતિ નિર્માણ થાય જેમાં કોઈને હાનિ ન પહોંચે. જીવનનું આ પરમ સત્ય છે અને એ પરમ સત્ય આપણને સૌને આપવાનું જ નહીં, પણ એ સત્ય થકી ઇતિહાસ પણ બદલી શકાય છે એ પણ મહાત્મા ગાંધીએ આપણને સૌને શીખવ્યું. ‘હું માનું છું કે ગાંધીજીની તસવીરો સાથે રાખવાથી કંઈ થવાનું નથી. આ હકીકતને સૌકોઈએ સ્વીકારવી જોઈએ. બાપુએ જે વાત કહી છે, બાપુના જે વિચારો છે એ વિચારોનો અમલ થવો જોઈએ. આ અમલ થવાનું શરૂ થશે એ પછી ચોક્કસપણે દેશમાં ખરા અર્થમાં સ્વરાજ આવશે અને બાપુનું સ્વરાજનું સપનું પૂરું થશે. ‘મારું માનવું છે કે આપણે આ સ્વાતંત્ર્યપર્વ નિમિત્તે માત્ર બે જ વાતનું અનુસરણ કરવાની જરૂર છે : સત્ય અને અહિંસા. જો આ બે વાતનું અનુસરણ આપણાથી થઈ શક્યું તો આપણે બહુ જ વાજબી રીતે માણસાઈના તમામ ગુણો આપણી અંદર ઉજાગર કરી શકીશું.’

Whatsapp-channel Whatsapp-channel

03 November, 2022 02:48 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK