Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ન્યુઝ શૉર્ટમાં: ઉત્તરાખંડના ભૂતપૂર્વ સીએેમ રાવત ઈડીના રડાર પર અને વધુ સમાચાર

ન્યુઝ શૉર્ટમાં: ઉત્તરાખંડના ભૂતપૂર્વ સીએેમ રાવત ઈડીના રડાર પર અને વધુ સમાચાર

08 February, 2024 09:47 AM IST | Dehradun
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંસદનું બજેટ સત્ર એક દિવસ લંબાવાયું, સ્ટાફ હડતાળ : લુફ્થાન્સા ઍરની સેંકડો ફ્લાઇટ રદ અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેહરાદૂન (પી.ટી.આઇ.): એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ બુધવારે મની લૉન્ડરિંગ કેસ મામલે ઉત્તરાખંડ કૉન્ગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મંત્રી હરક સિંહ રાવત વિરુદ્ધ સર્ચ હાથ ધરી હતી. ઈડીએ ઉત્તરાખંડમાં તેમના નિવાસસ્થાન સહિતનાં સ્થળો તેમ જ દિલ્હી અને હરિયાણામાં પણ તપાસ કરી હતી. તો દૂન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસમાં પણ રેઇડ પડી હતી. ૬૩ વર્ષના રાવત ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલાં બીજેપીમાંથી કૉન્ગ્રેસમાં જોડાયા હતા. ઈડીની તપાસ બે અલગ-અલગ કેસ સાથે જોડાયેલી છે. રાવત અને તેના સહયોગીઓ પર રાજ્યના કૉર્બેટ ટાઇગર રિઝર્વમાં ગેરકાયદેસર વૃક્ષો કાપવાનો અને કન્સ્ટ્રક્શન કરવાનો આરોપ છે. આ ઉપરાંત રાવતે પોતાના સંબંધિત ટ્રસ્ટ દ્વારા સંચાલિત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ માટે દેહરાદૂનમાં છેતરપિંડી કરીને જમીન હસ્તગત કરી હતી.

સંસદનું બજેટ સત્ર એક દિવસ લંબાવાયું
નવી દિલ્હી (પી.ટી.આઇ.): સંસદનું બજેટ સત્ર એક દિવસ લંબાવવામાં આવ્યું છે એટલે હવે એનું સમાપન ૧૦ ફેબ્રુઆરીએ થશે. ૩૧ જાન્યુઆરીએ શરૂ થયેલું સત્ર ૯ ફેબ્રુઆરીએ સમાપ્ત થવાનું હતું, પરંતુ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ બુધવારે ગૃહમાં જણાવ્યું હતું કે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ મહત્ત્વના સરકારી કામકાજનો નિકાલ કરવા માટે સત્રને ૧૦ ફેબ્રુઆરી સુધી લંબાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સરકારની ૨૦૧૪ પહેલાં અને એ પછીની ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિની સરખામણી રજૂ કરતું શ્વેત પત્ર રજૂ કરવાની યોજના છે. 

સ્ટાફ હડતાળ : લુફ્થાન્સા ઍરની સેંકડો ફ્લાઇટ રદ
બર્લિન (એ.પી.): જર્મનીનાં પાંચ મુખ્ય ઍરપોર્ટ પર લુફ્થાન્સા ઍરલાઇનનો ગ્રાઉન્ડ સ્ટાફ હડતાળ પર ઊતરી જતાં ઍરલાઇનને સેંકડો ફ્લાઇટ કૅન્સલ કરવી પડી હતી. વર્ડી યુનિયને પગાર વધારાની માગણી સાથે લુફ્થાન્સાના બે મુખ્ય મથક ફ્રૅન્કફર્ટ અને મ્યુનિક તેમ જ બર્લિન, ડસેલડોર્ફ અને હૅમ્બર્ગ ખાતે બુધવારે સવારે ૪ વાગ્યાથી ૨૭ કલાક માટે સ્ટ્રાઇક કરી હતી. લુફ્થાન્સાએ સ્ટ્રાઇક પહેલાં જણાવ્યું હતું કે નિર્ધારિત ફ્લાઇટ્સમાંથી લગભગ ૧૦-૨૦ ટકા ઑપરેટ થઈ શકશે. પૅસેન્જર ફ્રીમાં ટિકિટ રી-બુક કરી શકશે અને જર્મન ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટેની ટિકિટો રેલ વાઉચરમાં કન્વર્ટ થઈ શકશે. ફ્રૅન્કફર્ટમાં ૬૦૦માંથી ૮૦-૯૦ ટકા ફ્લાઇટ્સ કૅન્સલ થઈ હતી.

બોલો, જય શ્રીરામ...
અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં પ્રભુ શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ શ્રીરામલલ્લાનાં દર્શન માટે ઉત્તર ગુજરાતના પાલનપુરથી ૧૩૦૦ યાત્રાળુઓને લઈને અયોધ્યા જવા સ્પેશ્યલ આસ્થા ટ્રેન રવાના થઈ હતી ત્યારે રેલવે સ્ટેશન પર જય શ્રીરામનો જયઘોષ થયો હતો. બનાસકાંઠા જિલ્લાના અંદાજિત ૧૩૦૦થી વધુ યાત્રાળુઓને આસ્થા સ્પેશ્યલ ટ્રેન દ્વારા અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરનાં દર્શને લઈ જવા નીકળતાં રેલવે સ્ટેશન જય શ્રીરામના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. આ ટ્રેનના દરેક કોચમાં એક-એક કોચ ઇન્ચાર્જની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 

કેજરીવાલની મુસીબત વધીઃ હવે કોર્ટે તેમને સમન્સ મોકલાવ્યો છે
નવી દિલ્હી : દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુસીબતોમાં વધારો થયો છે અને તેમને એન્ફોર્સમેન્ટ ડિરક્ટરેટ (ઈડી) પછી હવે અહીંની એક અદાલતે સમન્સ મોકલાવ્યો છે. દિલ્હી લિકર સ્કૅમથી જોડાયેલા મની લૉન્ડરિંગ કેસમાં ઈડી કેજરીવાલની પૂછપરછ કરવા માગે છે. જોકે તેઓ સમન્સનું પાલન નથી કરી રહ્યા. મૅજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાએ સીએમ કેજરીવાલને સમન્સ પાઠવતાં ૧૭ ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. પાછલા ૪ મહિનામાં ૪ વખત બોલાવવા છતાં તેઓ સમન્સને ગેરકાયદે જણાવીને ઈડી સમક્ષ હાજર થયા નહોતા.


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2024 09:47 AM IST | Dehradun | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK