EDની છાપામારી વચ્ચે ફાઇલો અને પુરાવાઓ લઈને નીકળી ગયાં અને પછી વડા પ્રધાનને કહ્યું, ‘તમારા ગૃહપ્રધાનને સંભાળો’
ગઈ કાલે EDની રેઇડ દરમ્યાન I-PACની ઑફિસ પરથી લીલા રંગની ફાઇલો લઈની નીકળી ગયેલાં મમતા બૅનરજી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ ગુરુવારે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી પર કોલસાચોરી સાથે જોડાયેલા મની-લૉન્ડરિંગ મામલે થઈ રહેલી છાપામારીમાં હસ્તક્ષેપ કરીને અવરોધ પેદા કરવાનો આરોપ મૂક્યો હતો. તેઓ કલકત્તાની ઇન્ડિયન પૉલિટિકલ ઍક્શન કમિટી (I-PAC) નામની પૉલિટિકલ કન્સલ્ટન્ટ કંપનીના ડિરેક્ટર પ્રતીક જૈનના ઘરમાં જબરદસ્તીથી ઘૂસી ગયાં હતાં અને પોતાની સાથે કેટલીક ફાઇલો અને ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ ઉઠાવીને જતાં રહ્યાં હતાં. EDના કહેવા મુજબ એ પછી મમતા બૅનરજી I-PACની ઑફિસ પર પણ ગયાં હતાં અને ત્યાં પણ રાજ્યની પોલીસની મદદથી મહત્ત્વના પુરાવાઓ પોતાની સાથે લઈને જતાં રહ્યાં હતાં. પ્રતીક જૈન મમતાની પાર્ટી TMCના IT સેલના હેડ પણ છે.
તપાસકાર્યમાં અવરોધ પહોંચાડ્યા પછી મમતા બૅનરજીએ આ કાર્યવાહીને રાજનીતિ-પ્રેરિત ગણાવીને વળતો આરોપ કરતાં કહ્યું હતું, ‘મુઝે માફ કરેં પ્રધાનમંત્રીજી, કૃપયા અપને ગૃહ મંત્રી કો કન્ટ્રોલ કરેં.’
ADVERTISEMENT
પુરાવાઓ સાથે છેડછાડ થવાને કારણે EDએ કલકત્તા હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. બીજી તરફ I-PACએ પણ સર્ચ-ઑપરેશનને પડકાર્યું હતું. આજે હાઈ કોર્ટમાં એની સુનાવણી થશે.
આ કાર્યવાહીના વિરોધમાં મમતા બૅનરજી આજે બપોરે બે વાગ્યે કલકત્તામાં માર્ચ કાઢવાની છે.


