ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટ્સની સંડોવણીના આરોપને વધુ એક વખત તેમણે ફગાવી દીધો
ન્યુ યૉર્કમાં મંગળવારે વિદેશો સાથેના સંબંધો પર પરિષદ દરમ્યાન રાજદૂત કૅનેથ આઇ. જસ્ટરની સાથે વિદેશપ્રધાન એસ. જયશંકર (તસવીર : પી.ટી.આઇ.)
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદીની હત્યામાં ભારતની ભૂમિકા હોવાના મૂકેલા આરોપનો વિદેશપ્રધાન એસ. જયશંકરે સ્પષ્ટ ભાષામાં જવાબ આપ્યો હતો. તેમણે મંગળવારે કહ્યું હતું કે ‘અમારી સરકારની આ પૉલિસી નથી. ભારતે કૅનેડાને જણાવ્યું છે કે આ સંબંધમાં ચોક્કસ અને પ્રસ્તુત માહિતી પૂરી પાડવામાં આવશે તો એના પર વિચાર અને તપાસ કરવા માટે ભારત તૈયાર છે.’
કૅનેડાની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે ‘અમારી એવી સ્થિતિ છે કે ખરેખર અમારા ડિપ્લોમેટ્સને ધમકી આપવામાં આવી છે, અમારા કૉન્સ્યુલેટ્સ પર હુમલા થયા છે. આ બધાને એમ કહીને યોગ્ય ગણાવાય છે કે લોકશાહી આ રીતે કામ કરે છે.’
ADVERTISEMENT
જયશંકરે ન્યુ યૉર્કમાં વિદેશો સાથેના સંબંધો પર પરિષદ ખાતે એક સંવાદ દરમ્યાન આ મુદ્દે કમેન્ટ્સ કરી હતી.
ટ્રુડોએ આરોપ મૂક્યો હતો કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટ્સની સંડોવણી હોઈ શકે છે. ભારતે આ મહિનાની શરૂઆતમાં જ આ આરોપને ફગાવી દીધો હતો. જયશંકરે કહ્યું હતું કે ‘અમે કૅનેડિયન્સને જણાવ્યું છે કે ભારત સરકારની આ પૉલિસી નથી. અમે તેમને જણાવ્યું છે કે જો તમારી પાસે કંઈ પ્રસ્તુત માહિતી હોય તો અમને જણાવો. અમે એ બાબતે તપાસ કરવા માટે તૈયાર છીએ.’
ગલવાન સંઘર્ષ બાદથી ભારત-ચીનના સંબંધો અસામાન્ય
ભારત અને ચીન વચ્ચેના સંબંધો ૨૦૨૦માં ગલવાનમાં અથડામણ બાદથી ‘અસામાન્ય સ્થિતિ’માં હોવાનું જણાવીને જયશંકરે ભારપૂર્વક કહ્યું હતું કે દુનિયાના બે સૌથી વિશાળ દેશો વચ્ચે આવો તનાવ હોય તો દુનિયાભરમાં એની અસર થાય છે. ચીનની સાથે ડીલ કરવામાં આવતી સમસ્યાઓ વિશે જયશંકરે કહ્યું હતું કે ‘ચીનની સાથે ડીલ કરવામાં ઘણી જટિલ બાબતો છે. એમાંથી એક જટિલ બાબત એ છે કે તેઓ ભાગ્યે જ તેમની ઍક્શન માટે સ્પષ્ટ કારણ આપે છે જેના પગલે મોટા ભાગે તેમના ઇરાદાને સમજવાની અમે કોશિશ કરીએ છીએ, જે ખૂબ જ અસ્પષ્ટ હોઈ શકે છે.’


