અહીં તમામ ઘર અને જમીનની માલિકી ભગવાન દેવનારાયણની, એકેય ઘરમાં તાળું નહીં
પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાનના બ્યાવર જિલ્લાના દેવમાલી ગામને કેન્દ્ર સરકારે ભારતનું બેસ્ટ ટૂરિસ્ટ વિલેજ જાહેર કર્યું છે. ૨૭ નવેમ્બરે દિલ્હીમાં યોજાનારા ફંક્શનમાં આ ખિતાબ એનાયત કરવામાં આવશે. આ ગામ એની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલી માટે ખૂબ જ જાણીતું છે. ૧૮૭૫ એકરમાં ફેલાયેલા આ ગામમાં જેટલા લોકો રહે છે તેમનાં ઘર છાણથી લીપેલાં છે અને આ ગામનાં તમામ ઘર અને જમીનની માલિકી ભગવાન દેવનારાયણની છે. ગામવાળાઓનાં નામે જમીનના એક પણ ડૉક્યુમેન્ટ્સ નથી, કારણ કે તેઓ એવું માને છે કે આ જમીન તેમના ભગવાન દેવનારાયણની છે.
આખા ગામમાં ભગવાન દેવનારાયણનું મંદિર અને સરકારી ઑફિસનાં જ સ્ટ્રક્ચર પાકાં છે. અહીં મોટી સંખ્યામાં ટૂરિસ્ટ આવતા હોવા છતાં એકેય ઘરને તાળું નથી. દેવમાલી ગામમાં કોઈ માંસાહાર કે દારૂનું સેવન નથી કરતું. ત્યાં કેરોસીનના ઉપયોગ પર પણ પ્રતિબંધ છે. એવું કહેવાય છે કે ગામના લોકોએ વર્ષો પહેલાં ભગવાન દેવનારાયણ સમક્ષ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ ક્યારેય પાકાં ઘર નહીં બનાવે અને ત્યારથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે.
દેવમાલી ગામ ટૂરિસ્ટોમાં ખૂબ જ પૉપ્યુલર હોવાથી તેમ જ એણે સંસ્કૃતિનું રક્ષણ તથા જતન કર્યું હોવાથી કેન્દ્ર સરકારે એની દેશના બેસ્ટ વિલેજ તરીકે પસંદગી કરી છે.