આતિશીની તબિયત બગડતાં તેણે ભૂખહડતાળ ખતમ કરી હતી
આતિશી સિંહ
પાણીની તંગી ભોગવી રહેલા દિલ્હીને હરિયાણામાંથી યમુના નદીમાંથી વધારાનો પાણીપુરવઠો મળી રહે એ માટે બેમુદત ભૂખહડતાળ પર ઊતરી ગયેલાં દિલ્હીનાં જળપ્રધાન આતિશી સિંહની ગઈ કાલે તબિયત બગડી જતાં તેમને લોકનાયક જયપ્રકાશ હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યાં છે.
આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP)ના સંસદસભ્ય સંજય સિંહે કહ્યું હતું કે ‘આતિશીની તબિયત બગડતાં તેણે ભૂખહડતાળ ખતમ કરી હતી અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હવે અમે હરિયાણામાંથી યમુના નદીમાંથી યોગ્ય પાણીપુરવઠો મળી રહે એ માટે વડા પ્રધાનને પત્ર લખીશું. સંસદમાં પણ અમે આ મુદ્દો ઉપાડીશું.’ દિલ્હીમાં પાણીની સમસ્યાના મુદ્દે આતિશી ૨૧ જૂનથી ભૂખહડતાળ પર ઊતર્યાં હતાં અને ગઈ કાલે મધરાતે તેમનું બ્લડશુગર લેવલ નીચે આવી જતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.


