Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી પોલીસે LeT અને ISI સાથે જોડાયેલા આતંકવાદી મૉડ્યુલનો પર્દાફાશ કર્યો

દિલ્હી પોલીસે LeT અને ISI સાથે જોડાયેલા આતંકવાદી મૉડ્યુલનો પર્દાફાશ કર્યો

Published : 23 February, 2026 10:06 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાંથી ૮ જણની ધરપકડ

ગઈ કાલે દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે પશ્ચિમ બંગાળથી બે બંગલાદેશી આતંકવાદીઓને પકડ્યા હતા.

ગઈ કાલે દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે પશ્ચિમ બંગાળથી બે બંગલાદેશી આતંકવાદીઓને પકડ્યા હતા.


બંગલાદેશમાં ગુપ્ત બેઠક પછી ભારતનાં અનેક શહેરોમાં પ્રવાસ, દેશમાં ધાર્મિક સ્થળોમાં આતંકવાદી કૃત્ય કરવાનો હતો કારસો, તિરુપુરની ગાર્મેન્ટ ફૅક્ટરીમાંથી ૬ અને પશ્ચિમ બંગાળમાંથી ૨ જણની ધરપકડ, ૮ મોબાઇલ અને ૧૬ સિમ કાર્ડ જપ્ત

દિલ્હી પોલીસે પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબા (LeT), પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) અને બંગલાદેશસ્થિત આતંકવાદી સંગઠનો સાથે કથિત જોડાણ ધરાવતા એક મોટા આતંકવાદી મૉડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને એક જૉઇન્ટ ઑપરેશનમાં ૮ શંકાસ્પદોની ધરપકડ કરી છે. તપાસ-એજન્સીઓને આશંકા છે કે આ જૂથ વિદેશી હૅન્ડલરોના નિર્દેશનમાં ભારતમાં મોટા આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યું હતું.



આ સંદર્ભમાં અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું કે તામિલનાડુના તિરુપુર જિલ્લામાં ગાર્મેન્ટ યુનિટમાંથી મિઝાનુર રહેમાન, મોહમ્મદ શબાત, ઉમર, મોહમ્મદ લિટન, મોહમ્મદ શાહિદ અને મોહમ્મદ ઉજ્જલ તરીકે ઓળખાતા ૬ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે બે અન્યની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી હતી.


હૅન્ડલર કાશ્મીરનો વતની

ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક બંગલાદેશી નાગરિક છે જે પોતાની ઓળખ છુપાવવા માટે બનાવટી આધાર કાર્ડનો ઉપયોગ કરી રહ્યો હોવાનો આરોપ છે. આ મૉડ્યુલ LeT સાથે સંકળાયેલું છે અને એનો હૅન્ડલર કાશ્મીરનો વતની છે જે હાલમાં બંગલાદેશમાં કાર્યરત છે. આ હૅન્ડલરને પાકિસ્તાનમાં આતંકવાદી તાલીમ મળી છે અને ધરપકડ કરાયેલા ૮ શંકાસ્પદો તેના ઇશારે કામ કરી રહ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કેટલાક શંકાસ્પદો તાજેતરના મહિનાઓમાં બંગલાદેશ ગયા હતા. તેમણે ત્યાં આતંકવાદી સંગઠનોના સભ્યો સાથે ગુપ્ત બેઠકો કરી હતી. ભારત પાછા ફર્યા પછી તેમણે નકલી આધાર કાર્ડ મેળવ્યાં હતાં અને ખોટાં બહાનાં હેઠળ રોજગાર મેળવ્યો હતો.


અનેક શહેરોમાં ફર્યા

પોલીસનો દાવો છે કે શંકાસ્પદો ટ્રેઇનિંગ લઈને આવ્યા બાદ દિલ્હી સહિત દેશનાં અનેક શહેરોમાં જાસૂસી માટે ફર્યા હતા અને તેમની પાસેથી મળેલા મોબાઇલ ફોનમાં આ સંદર્ભના વિડિયો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

નિશાન પર ધાર્મિક સ્થળો

પાકિસ્તાનસ્થિત LeT દ્વારા દિલ્હીમાં ભીડભાડવાળાં ધાર્મિક અને હેરિટેજ સ્થળોને નિશાન બનાવવાની સંભવિત આતંકવાદી કાવતરાની ગુપ્ત માહિતી બાદ સુરક્ષા એજન્સીઓએ રાજધાનીમાં હાઈ એલર્ટ જાહેર કર્યાના એક દિવસ બાદ આ ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચોક્કસ ઇનપુટ્સ સૂચવે છે કે ચાંદની ચોક વિસ્તારમાં આવેલું એક મંદિર સંભવિત લક્ષ્યોમાં હોઈ શકે છે. આતંકવાદીઓ કથિત રીતે લાલ કિલ્લાની નજીકના વિસ્તારો સહિત સંવેદનશીલ સ્થળોએ અને એની આસપાસ ઇમ્પ્રૂવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. શંકાસ્પદો વિદેશી હૅન્ડલરોના ઇશારે ભારતમાં મોટા આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યા હતા.

ઑનલાઇન પોસ્ટ બાદ તપાસ

તામિલનાડુમાં ઑપરેશન વિશે દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે જણાવ્યું હતું કે ‘આ ઑપરેશન આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપતી ઑનલાઇન પોસ્ટ્સ જોયા બાદ હાથ ધરવામાં આવ્યું હતું, જેને કારણે સ્થાનિક પોલીસની મદદથી ટીમ તિરુપુર ગઈ હતી. ટીમને જાણવા મળ્યું હતું કે ૬ જણ ગાર્મેન્ટ ફૅક્ટરીમાં કામ કરતા હતા અને નકલી આધાર કાર્ડ રાખતા હતા. ઑપરેશનમાં પોલીસે ૮ મોબાઇલ ફોન અને ૧૬ સિમ કાર્ડ જપ્ત કર્યા હતા, જેની હવે ડિજિટલ પુરાવા અને અન્ય ઑપરેટિવ્સ સાથે સંભવિત લિન્ક્સ માટે તપાસ કરવામાં આવી રહી છે. આનો ઉપયોગ દેશના વિવિધ ભાગોમાં સંપર્કો અને નેટવર્ક સ્થાપિત કરવા માટે કરવામાં આવી રહ્યો હતો.’

ફ્રી કાશ્મીરપોસ્ટરો લગાવ્યાં

૮ ફેબ્રુઆરીની આસપાસ દિલ્હી મેટ્રો નેટવર્ક સહિત રાજધાનીમાં દસથી વધુ સ્થળોએ ઉશ્કેરણીજનક પોસ્ટરો દેખાયા બાદ આ મૉડ્યુલ વિશે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોસ્ટરોમાં ભડકાઉ સામગ્રી અને કાશ્મીરના સંદર્ભો હોવાનું કહેવાય છે, જેમાં ‘ફ્રી કાશ્મીર’ના સ્લોગનનો પણ સમાવેશ થાય છે. પોસ્ટરોના મૂળ અંગે સ્પેશ્યલ સેલ દ્વારા કરવામાં આવેલી ઊંડાણપૂર્વકની તપાસમાં ટીમને તામિલનાડુમાં કાર્યરત નેટવર્કની જાણકારી મળી હતી, જેના આધારે ધરપકડ કરવામાં આવી હતી.

ડૉક્ટર મૉડ્યુલ સાથે સામ્ય

આ ઘટનાક્રમ શંકાસ્પદ ડૉક્ટર મૉડ્યુલ જેવો જ દેખાય છે, જ્યાં જમ્મુ અને કાશ્મીરમાં લાગેલાં પોસ્ટરો તપાસકર્તાઓને ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી તરફ દોરી ગયાં હતાં. ત્યાં ડૉક્ટર તરીકે કાર્યરત વ્યક્તિઓ લાલ કિલ્લા વિસ્ફોટમાં સામેલ હતી. અધિકારીઓએ રવિવારના ઑપરેશનને સંભવિત આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવવામાં એક મોટી સફળતા ગણાવી હતી. વધારાના શંકાસ્પદો, ફન્ડિંગ ચૅનલો અને સંભવિત સરહદ પાર લિન્ક્સને ઓળખવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

 

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 10:06 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK