બરેલીમાં ટિનશેડની સાથે હવામાં ઊછળીને ૮૦ ફુટ દૂર ખેતરમાં જઈ પડ્યો માણસ
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ઉત્તર પ્રદેશના પાંચ જિલ્લાઓમાં બુધવારે ત્રાટકેલા ભયાનક થન્ડરસ્ક્વૉલ એટલે કે તીવ્ર વાવાઝોડા સાથેના વરસાદે મોતનું તાંડવ મચાવ્યું હતું. ભદોહી, ફતેહપુર, બદાયું, ચંદૌલી અને સોનભદ્ર જિલ્લામાં આવેલા આ વાવાઝોડામાં અત્યાર સુધી ઓછામાં ઓછા ૧૦૪ લોકોનાં મોત થયાં છે.
બુધવારે બરેલીમાં વાવાઝોડા અને વરસાદ વચ્ચે ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતાં પાંચ જણના જીવ ગયા હતા. પવન એટલો જોરદાર હતો કે ભમોરા વિસ્તારમાં ટિનશેડ ઊખડી જતાં એની સાથે એક માણસ હવામાં અનેક ફુટ ઊંચે દડાની જેમ ફંગોળાયો હતો અને લગભગ ૮૦ ફુટ દૂર ખેતરમાં જઈને પડ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા આ માણસની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
આ આફતમાં ભદોહી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. સેકન્ડોમાં વિશાળ વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં અને કાચાં મકાનોની દીવાલો ધરાશાયી થતાં અનેક પરિવારો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. અનેક તાલુકાઓમાં મોબાઇલ નેટવર્ક અને વીજપુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયાં છે.
શું છે થન્ડરસ્ક્વૉલ?
જ્યારે ગાજવીજ સાથેના વાવાઝોડા દરમ્યાન પવનની ગતિ અચાનક વધી જાય છે અને એ એક મિનિટ કે એથી વધુ સમય માટે ૫૦-૬૦ કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ફૂંકાય છે ત્યારે એને સ્ક્વૉલ (Squall) કહેવામાં આવે છે. જ્યારે આ તીવ્ર પવન સાથે જોરદાર વરસાદ અને વીજળીના કડાકાભડાકા થાય ત્યારે એ ‘થન્ડરસ્ક્વૉલ’ કહેવાય છે.
થન્ડરસ્ક્વૉલ ખૂબ ટૂંકા ગાળામાં ત્રાટકે છે જેને કારણે લોકોને સલામત સ્થળે ખસવાનો સમય નથી મળતો. પવનની ગતિ એટલી પ્રચંડ હતી કે એણે માત્ર વૃક્ષો જ નહીં, લાઇટના થાંભલા અને પાકી દીવાલોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ગ્રામીણ વિસ્તારોમાં માટીની દીવાલો અને નબળાં છાપરાં ધરાવતાં મકાનો આ તીવ્ર પવન તથા વરસાદનો સામનો કરી શક્યાં નહીં જે મૃત્યુનું મુખ્ય કારણ બન્યું હતું.
વાવાઝોડા સાથે વીજળી પડવાને કારણે પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.
૨૪ કલાકમાં વળતર ચૂકવવાનો આદેશ
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અસરગ્રસ્ત પરિવારોને ૨૪ કલાકમાં વળતર ચૂકવવાનો આદેશ આપવાની સાથે કહ્યું હતું કે રાહતકાર્યમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. તેમણે જિલ્લા વહીવટી તંત્રને નુકસાનનો અંદાજ કાઢીને અસરગ્રસ્તોને તાત્કાલિક આર્થિક મદદ અને તબીબી સુવિધા પૂરી પાડવાનો આદેશ આપ્યો છે.
બદાયૂંમાં ટીનેજર અને તેનાં પેરન્ટ્સ હવામાં ઊછળીને પાડોશીના મકાનમાં જઈ પડ્યાં
બુધવારે રાતે ઉત્તર પ્રદેશમાં આવેલા વાવાઝોડામાં બરેલી જેવો જ એક કિસ્સો બદાયૂંના ખેડાદાસ ગામમાં બન્યો હતો. ધનીરામ અને વિનીતા શર્મા નામનું યુગલ ૧૪ વર્ષના દીકરા પ્રિન્સ સાથે ઘરના આંગણાની છત ઢાંકવા છાપરે ચડ્યાં હતાં એ વખતે ભારે વાવાઝોડાને કારણે ત્રણેય જણ હવામાં લગભગ દસથી પચીસ ફુટ ઊંચે ઊછળીને નીચે પટકાયાં હતાં. પ્રિન્સ તો તેમના ઘરથી એક ઘર છોડીને પાડોશીના ત્રીજા ઘરમાં પડ્યો હતો, જ્યારે મા બાજુના પાડોશના ઘરમાં જઈ પડી હતી તથા પિતા ધનીરામ પાડોશના આંગણામાં પડ્યા હતા. મા-દીકરાને મલ્ટિપલ ફ્રૅક્ચર્સ થયાં છે અને તેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે.
