ઉત્તરાખંડની ભોલે બાબા ઑર્ગેનિક ડેરી મિલ્ક પ્રાઇવેટ લિમિટેડે નકલી દેશી ઘીનું યુનિટ સ્થાપ્યું, દૂધની ખરીદીના ખોટા રેકૉર્ડ તૈયાર કર્યા, ૨૦૧૯થી ૨૦૨૪ સુધીનાં પાંચ વર્ષ તેમનો ખેલ ચાલ્યો
તિરુપતિના પવિત્ર શ્રીવરી લાડુ
તિરુપતિના પવિત્ર શ્રીવરી લાડુ સાથે જોડાયેલા ૨૫૦ કરોડ રૂપિયાના ૬૮ લાખ કિલો નકલી દેશી ઘીના કૌભાંડમાં દિલ્હીના વેપારી અજયકુમાર સુગંધાની ધરપકડ કરવામાં આવી હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા આ કેસમાં તપાસ ચાલી રહી છે અને એની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને જાણવા મળ્યું હતું કે ઉત્તરાખંડમાં આવેલી ભોલે બાબા ઑર્ગેનિક ડેરી મિલ્ક પ્રાઇવેટ લિમિટેડે ક્યારેય અસલી દૂધ ખરીદ્યું નથી; એણે ભેળસેળયુક્ત ઘી બનાવવા માટે એક યુનિટ નાખ્યું હતું અને કેમિકલો, પામ તેલ અને બીજા ઘટકોનો ઉપયોગ કર્યો હતો. આ ઘી તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને સપ્લાય કરવામાં આવતું હતું, જેનો ઉપયોગ પાછળથી પવિત્ર શ્રીવરી લાડુ બનાવવામાં થયો હતો.
ડેરીને કેમિકલોની સપ્લાય
ADVERTISEMENT
દિલ્હીનો વેપારી અજયકુમાર સુગંધા નકલી ઘી બનાવવા માટે વપરાતાં રસાયણો સપ્લાય કરતો હતો. આ કેસમાં તેનો ઉલ્લેખ આરોપી-૧૬ તરીકે કરવામાં આવ્યો છે. અજયકુમાર પર લગભગ ૭ વર્ષથી ભોલે બાબા ઑર્ગેનિક ડેરી મિલ્ક પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરો પોમિલ જૈન અને વિપિન જૈનને પામ તેલ રિફાઇન કરવા માટે ઉપયોગમાં લેવાતાં મોનોગ્લિસરાઇડ્સ, ઍસિટિક ઍસિડ અને એસ્ટર જેવાં રસાયણો સપ્લાય કરવાનો આરોપ છે. આ પદાર્થોનો ઉપયોગ ઉત્તરાખંડના રુડકી નજીક કંપનીના પ્લાન્ટમાં કથિત રીતે ભેળસેળયુક્ત ઘી બનાવવા માટે કરવામાં આવતો હતો. નાણાકીય વ્યવહારો અને સપ્લાય રેકૉર્ડના પુરાવા અજયકુમારને ભોલે બાબા ડેરી નેટવર્ક સાથે જોડે છે.
નકલી રેકૉર્ડ, નકલી સપ્લાયનો ખેલ
ઉત્તરાખંડસ્થિત આ ડેરીના સંચાલકો પોમિલ જૈન અને વિપિન જૈને નકલી દેશી ઘીનું યુનિટ સ્થાપ્યું હતું અને ખોટા દૂધખરીદી રેકૉર્ડ તૈયાર કર્યા હતા. ૨૦૧૯થી ૨૦૨૪ સુધીનાં પાંચ વર્ષમાં તેમણે નકલી ઘી બનાવીને મંદિરને પહોંચાડ્યું હતું. ૨૦૨૨માં ભોલે બાબા ડેરીને બ્લૅકલિસ્ટ કરવામાં આવ્યા પછી પણ તેમણે વૈષ્ણવી ડેરી (શ્રીકલહસ્તી), માલગંગા મિલ્ક ઍન્ડ ઍગ્રો પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (પુણે) અને એ. આર. ડેરી ફૂડ્સ (દિંડીગુલ-તામિલનાડુ) જેવી અન્ય કંપનીઓ દ્વારા નકલી ઘી સપ્લાય કરવાનું ચાલુ રાખ્યું હતું. ભગવાન શ્રી વેન્કટેશ્વરને ચડાવવામાં આવતા પ્રસાદની તૈયારીમાં દૂષિત ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી ભક્તોની લાગણીઓને ભારે ઠેસ પહોંચી હતી.


