પીટા ઇન્ડિયાએ ફુટેજ જોઈને અજાણ્યા બાઇકર સામે પોલીસ ફરિયાદ નોંધાવી
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA-પીટા) ઇન્ડિયાએ ઇન્સ્ટાગ્રામ પર મગર સાથે દુર્વ્યવહાર અને ગેરવર્તણૂક દર્શાવતો એક વિચલિત વિડિયો શૅર કર્યો છે. એનાથી વન્યજીવનના પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. વિડિયોમાં એક માણસ વિશાળ મગરને બાઇક સાથે બાંધીને ખુલ્લા મેદાનમાં ખેંચી રહ્યો છે. ઘણા યુવાનો અને ગ્રામજનો એને જોઈ રહ્યા છે, પરંતુ કોઈ મગરને મદદ કરી રહ્યું નથી.
મગર ખોરાકની શોધમાં માનવવસ્તીમાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. એને દોરડાથી મોટરસાઇકલ સાથે ક્રૂરતાથી બાંધી દેવામાં આવ્યો હતો. ફુટેજમાં દેખાતી બાઇકના નંબરથી જાણ થઈ હતી કે આ ઘટના બિહારમાં બની હતી.
ADVERTISEMENT
આ વિડિયો સામે આવ્યા પછી પીટા ઇન્ડિયાએ ફરિયાદ નોંધાવી હતી. બિહાર વન વિભાગના બેટિયા ફૉરેસ્ટ ડિવિઝને આ ઘટનામાં સામેલ એક વ્યક્તિ વિરુદ્ધ પ્રિલિમિનરી ઑફેન્સ રિપોર્ટ (POR) નોંધ્યો છે. મગર સામેના ગુનાઓને ગંભીર માનવામાં આવે છે અને કાયદા હેઠળ, દોષિતોને ઓછામાં ઓછી ૩ વર્ષની જેલની સજા જે ૭ વર્ષ સુધી લંબાવી શકાય છે અને ઓછામાં ઓછા ૨૫,૦૦૦ રૂપિયાના દંડની જોગવાઈ છે.


