CPI (M)ના સંસદસભ્યે દાવો કર્યો કે આ મુદ્દે હાઈ લેવલ બેઠક થઈ ચૂકી છે
જૉન બ્રિટાસ
કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટ ગૅરન્ટી સ્કીમ (મનરેગા)નું નામ બદલવામાં આવ્યા બાદ હવે કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી) CPI (M)ના રાજ્યસભાના સંસદસભ્ય જૉન બ્રિટાસે દાવો કર્યો હતો કે ‘કેન્દ્ર સરકાર હવે ભારતીય ચલણી નોટોમાંથી મહાત્મા ગાંધીની છબી દૂર કરવા તરફ આગળ વધી રહી છે. આ મુદ્દા પર હાઈ લેવલ બેઠક પહેલાં જ યોજાઈ ચૂકી છે. સત્તાવાર રીતે એનો ઇનકાર કરવામાં આવ્યા છતાં ચર્ચાનો પ્રથમ રાઉન્ડ ઉચ્ચ સ્તરે થઈ ચૂક્યો છે. આ હવે ફક્ત અટકળો નથી. આપણી ચલણી નોટો પરથી ગાંધીજીને દૂર કરવા એ રાષ્ટ્રનાં પ્રતીકોને ફરીથી લખવાના મોટા પ્રયાસનો એક ભાગ છે.’
સૂત્રો જણાવે છે કે કેન્દ્ર સરકાર ગાંધીજીની ઇમેજને વૈકલ્પિક પ્રતીક સાથે બદલવાનું વિચારી શકે છે જે એનું માનવું છે કે ભારતની સંસ્કૃતિને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરે છે. એમાં ભારત માતાનો વિકલ્પ પણ છે.
ADVERTISEMENT
૧૯૬૯માં રાષ્ટ્રપિતાની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે ભારતીય ચલણ પર મહાત્મા ગાંધીની છબી સૌપ્રથમ વખત પ્રકાશિત થઈ હતી. સમય જતાં તેમનો ફોટોગ્રાફ ભારતીય નોટોની સાથે પર્યાયરૂપ બની ગયો જે રાષ્ટ્રનાં શાંતિ, એકતા અને બલિદાનનાં મૂલ્યોની પ્રતીક છે.


