CWCની બેઠકમાં બોલ્યા મલ્લિકાર્જુન ખડગે
કૉન્ગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ શુક્રવારે દિલ્હીમાં કૉન્ગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની ઇમર્જન્સી બેઠક યોજાઈ હતી. કૉન્ગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના કૉન્ગ્રેસી દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. એમાં પહલગામ હુમલા અને જાતિઆધારિત વસ્તીગણતરીના કેન્દ્ર સરકારના નિર્ણય અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં કૉન્ગ્રેસે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં કેન્દ્રની મોદી સરકારને તમામ શક્ય મદદ કરવાની વાત કરી હતી.
- આ બેઠકમાં ખડગેએ કહ્યું હતું કે ‘પહલગામ હુમલા પર મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી. આખો દેશ આજે જવાબદારી, સ્પષ્ટતા અને ન્યાયની રાહ જોઈ રહ્યો છે. આ અક્ષમ્ય અને ઉશ્કેરણીભર્યા હુમલાને ધ્યાને રાખતાં ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસ માને છે કે આ રાજનીતિ કરવાનો સમય નથી; આ એ ક્ષણ છે જ્યારે દેશને એકતા, દૃઢતા અને રાષ્ટ્રીય સંકલ્પ બતાવવો જોઈએ. આખો વિપક્ષ આ મુદ્દે સરકારની સાથે ઊભો છે.’
- કૉન્ગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે સરકારે પહેલાં અમારી માગણીની ટીકા કરી અને જ્યારે આખો દેશ પહલગામ આતંકવાદી હુમલાને લઈને શોક મનાવી રહ્યો છે તો અચાનકથી જાતિઆધારિત વસ્તીગણતરી કરાવવાનો નિર્ણય શા માટે લેવાયો?
- છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘પહલગામની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જોકે સવાલ એ છે કે વડા પ્રધાન શું પગલાં ભરી રહ્યા છે? મને ૧૨ વર્ષ પહેલાંની છત્તીસગઢની ઘટના યાદ આવે છે, જ્યાં નક્સલવાદીઓએ અમારા નેતાઓનાં નામ પૂછી-પૂછીને માર્યા હતા.’
- પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચરણજિત છન્નીએ કહ્યું હતું કે ‘આ એક મોટું સંકટ છે જેમાં થયેલી સુરક્ષાની ચૂકને જોવાની જરૂર છે. આજે દેશને સુરક્ષિત રાખવામાં સરકારની ક્ષમતા પર સવાલ ઊભા થઈ ગયા છે. આખો દેશ રાહ જોઈ રહ્યો છે કે સરકાર પાકિસ્તાન પર કાર્યવાહી કરશે?’
- કૉન્ગ્રેસ કાર્યસમિતિએ બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે ‘કૉન્ગ્રેસ પહલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા ૨૬ પરિવારજનો સાથે એકતા અને સંવેદનાની સાથે ઊભી છે. આ પરિવારનોનું દર્દ સમગ્ર રાષ્ટ્રનું દર્દ છે. કૉન્ગ્રેસ કાર્યસમિતિ માત્ર શબ્દોથી નહીં પરંતુ સ્થાયી એકતા સાથે તેમની સાથે ઊભી છે.’
ADVERTISEMENT
એક વર્ષના દીકરાને પતિ પાસે મૂકીને પાકિસ્તાન જવું પડ્યું આ મહિલાને
અમ્રિતસર પાસેની અટારી-વાઘા બૉર્ડર પર ગઈ કાલે પાકિસ્તાની નાગરિક રુવા તાલિબ પોતાના એક વર્ષના દીકરાથી છૂટી પડતાં પહેલાં રડમસ થઈ ગઈ હતી. તેણે દીકરાને ભારતીય પતિ મોહમ્મદ તાલિબ પાસે મૂકીને સ્વદેશ જવું પડ્યું હતું.
પહલગામના અટૅકમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની સાઠગાંઠ
NIAની તપાસમાં સામે આવી ચોંકાવનારી માહિતી
પહલગામના આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના જીવ ગયા હતા જેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પહલગામના આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને મોટી માહિતી મળી છે. NIAને પોતાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલામાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) અને લશ્કર-એ-તય્યબા (LeT)ની સાઠગાંઠ છે અને ISIના ઇશારે જ આ હુમલો થયો છે. હુમલા પહેલાં અને પછી આતંકવાદીઓએ પાકિસ્તાનમાં બેઠેલા તેમના હૅન્ડલરોનો સંપર્ક કર્યો હતો. આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સૅટેલાઇટ ફોનની વિગતો એકઠી કરવા માટે વિદેશી નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે.
લશ્કર-એ-તય્યબાના ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ શરૂઆતમાં હુમલાની જવાબદારી લીધી હતી, પરંતુ બાદમાં TRFએ એનો ઇનકાર કર્યો હતો. તપાસ એજન્સીઓએ હુમલામાં સંડોવાયેલા પાંચ આતંકવાદીઓની ઓળખ કરી છે.

