દેશમાં ઇમર્જન્સી કરતાં પણ બદતર હાલત થઈ, અમારા ફોન હૅક કરી નાખ્યા હોય એવું લાગે છે
CJPના સહ-સંયોજક અને પ્રવક્તા આશુતોષ રાંકાએ પ્રેસ-કૉન્ફરન્સ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ પર અનેક ગંભીર અને બેફામ આરોપો લગાવ્યા હતા
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના ત્રણેય નેતાઓને છોડવામાં આવ્યા પછી અભિજિત દીપકે નાગપુર જવા રવાના થઈ ગયો હતો અને CJPના સહ-સંયોજક અને પ્રવક્તા આશુતોષ રાંકાએ પ્રેસ-કૉન્ફરન્સ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ પર અનેક ગંભીર અને બેફામ આરોપો લગાવ્યા હતા. આશુતોષ રાંકાએ કહ્યું હતું કે છેલ્લા ૭૨ કલાકમાં દેશમાં ઘણી ઘટનાઓ બની છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. દેશમાં ઇમર્જન્સી કરતાંય ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે. અમારી લડાઈ ચૂંટણીપંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે છે. ચૂંટણીપંચની જવાબદારી દેશનું રક્ષણ અને આગળ વધારવાની છે, પરંતુ તેમણે સમાધાન કર્યું છે. અમારો વિરોધ જ્ઞાનેશ કુમાર અને ચૂંટણીપંચ સામે હતો, પરંતુ હવે લડાઈ કેન્દ્ર સરકાર સામે થઈ રહી છે એમ કહીને રાંકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પર નિશાન સાધતાં આરોપ લગાવ્યો કે જ્ઞાનેશ કુમાર BJPની જીત સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છે. સરકાર કોઈ પણ કિંમતે જ્ઞાનેશ કુમારને બચાવવા માગે છે. મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ જ્ઞાનેશ કુમારને બચાવવા માટે કંઈ પણ કરશે.
બીજી તરફ સૌરવ દાસે આરોપ લગાવ્યો હતો કે અટકાયત દરમ્યાન મને આર.કે. પૂરમ પોલીસ-સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો, આશુતોષ અને અભિજિત દીપકેને અન્યત્ર રાખવામાં આવ્યા હતા. પોલીસે મારો ફોન જપ્ત કર્યો હતો અને પુરાવાઓ પ્લાન્ટ કર્યા હતા. પોલીસે મારા ફોનની તપાસ કરી હતી. દેશભરમાં ખુલ્લી કટોકટીની સ્થિતિ છે. આવી સ્થિતિ છેલ્લે ૧૯૭૫માં સરમુખત્યારશાહી શાસન દરમ્યાન જોવા મળી હતી.
