Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હવે આ કલંક સાથે સેવા નહીં કરું

હવે આ કલંક સાથે સેવા નહીં કરું

Published : 03 July, 2026 07:50 AM | Modified : 03 July, 2026 07:51 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચંપત રાય એકાંતવાસમાં ચાલ્યા ગયા, જેમના પર અતૂટ ભરોસો હતો તેમણે જ દગો આપ્યો હોવાની વેદના ઠાલવીને કહ્યું કે અયોધ્યા અને મંદિર માટેની મારી વહીવટી સેવાઓ હવે પૂરી થઈ

ચંપતં રાય

ચંપતં રાય


રામ મંદિરમાં થયેલી દાનચોરીના વિવાદની વચ્ચે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ભૂતપૂર્વ મહાસચિવ ચંપત રાયનું એક મોટું અને ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે પોતાના અત્યંત નજીકના સહયોગીઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેઓ હવે આ બદનામી અને સામાજિક કલંકની સાથે પોતાની સેવાઓ કોઈ પણ કિંમતે આગળ ચાલુ રાખવા માગતા નથી. દાનચોરીનો આ આખો મામલો સામે આવ્યા બાદ ચંપત રાય હાલમાં સંપૂર્ણપણે એકાંતવાસમાં સમય વિતાવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ ચંપત રાયે પોતાના કેટલાક ખાસ સાથીઓ સાથેની અત્યંત ગોપનીય વાતચીત દરમ્યાન પોતાની ઊંડી પીડા અને આક્રોશ વ્યક્ત કર્યાં હતાં. તેમણે ભાવુક થઈને કહ્યું કે ‘મેં જે લોકો પર સૌથી વધુ વિશ્વાસ મૂક્યો અને જેમને પોતાના ગણ્યા તેમણે જ મારી સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે. એનાથી હું અત્યારે ભારે છેતરાયાની લાગણી અનુભવી રહ્યો છું.’ 



જોકે આ આક્ષેપ કરતી વખતે ચંપત રાયે કોઈ ચોક્કસ વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો નથી.


ટ્રસ્ટના ભૂતપૂર્વ મહાસચિવે સ્પષ્ટ શબ્દોમાં વહેતી કરેલી વાત મુજબ અયોધ્યા અને રામ મંદિર માટે તેમની જે પણ ધાર્મિક અને વહીવટી સેવાઓ હતી એ હવે સત્તાવાર રીતે પૂરી થઈ ચૂકી છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ પ્રકારના ગંભીર આક્ષેપો અને આબરૂના ભોગે પદ પર રહીને કામ કરવું તેમના સ્વાભિમાનની વિરુદ્ધ છે તેથી તેઓ આ કલંક સાથે પદની જવાબદારી સંભાળવાના પક્ષમાં બિલકુલ નથી.

SITની પૂછપરછમાં ચંપત રાયનો દાવો : મેં જ છૂપા કૅમેરા લગાવીને ચોરી પકડી હતી


અયોધ્યાના રામ મંદિરમાં દાનનાં નાણાંની ઉચાપતના મામલામાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી ચંપત રાય અને ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાની અલગ-અલગ વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી છે. આ પૂછપરછ દરમ્યાન ચંપત રાયે પોતાનો બચાવ કરતાં ઇન્વેસ્ટિગેટર્સને જણાવ્યું હતું કે જે લોકો પર મેં અતૂટ ભરોસો મૂક્યો હતો તેમણે જ મારી સાથે દગો કર્યો છે અને આ કૌભાંડમાં મારી કોઈ ભૂમિકા નથી. તેમણે દાવો કર્યો હતો કે બૅન્કમાં જમા થતી રકમમાં વિસંગતતા જણાતાં મેં જ કાઉન્ટિંગ રૂમમાં ગુપ્ત રીતે છૂપા કૅમેરા લગાવડાવ્યા હતા જેનાં ફુટેજના આધારે કર્મચારીઓની આ ચોરી પકડાઈ હતી.

રામ મંદિર કેસમાં મુખ્ય કોણ છે જેનાથી બ્રિજભૂષણ શરણ સિંહ અને બાબા બાગેશ્વર પણ ગભરાય છે? : અરવિંદ કેજરીવાલ

અયોધ્યાના રામ મંદિરના ચડાવાની ચોરીના મામલે હવે રાજકારણ ગરમાયું છે. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે આ મુદ્દે BJPના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય બ્રિજભૂષણ શરણ સિંહના એક નિવેદનનો ઉલ્લેખ કરીને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ‘BJPના જ એક મોટા નેતા બ્રિજભૂષણ કહી રહ્યા છે કે જો તેઓ મોં ખોલશે તો ઘણાં મોટાં નામો બહાર આવશે અને તેમના જીવને જોખમ ઊભું થઈ શકે છે. આખરે એવા કયા શક્તિશાળી લોકો છે જેમનાથી ખુદ બ્રિજભૂષણ જેવા નેતા પણ ડરી રહ્યા છે? માત્ર રાજકારણીઓ જ નહીં, બાબા બાગેશ્વર પણ કહી રહ્યા છે કે આ કૌભાંડમાં મોટાં માથાંઓ સામેલ છે અને જો તેઓ પરચી ખોલશે તો તેમનો જીવ પણ જોખમમાં મુકાશે.’ 

Whatsapp-channel Whatsapp-channel

03 July, 2026 07:51 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK