૫૦૪ કલાક સુધી પાકિસ્તાનની કેદમાં બંધ જવાનની મુક્તિ માટે BSFએ અથાગ મહેનત કરી હતી
BSFના જવાન પૂર્ણમકુમાર શૉની મુક્તિના સમાચાર મળ્યા પછી તેની પત્ની અને મમ્મી.
પંજાબના ફિરોઝપુરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ૨૩ એપ્રિલે ભૂલથી પાકિસ્તાનની સીમામાં જતા રહેલા બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના જવાન પૂર્ણમકુમાર શૉને બુધવારે મુક્ત કરવામાં આવ્યો હતો. તે વાઘા બૉર્ડરથી સુરક્ષિત ભારત પાછો ફર્યો છે. ૫૦૪ કલાક સુધી પાકિસ્તાનની કેદમાં બંધ જવાનની મુક્તિ માટે BSFએ અથાગ મહેનત કરી હતી.
ADVERTISEMENT
ગઈ કાલે પાકિસ્તાન રેન્જર્સે અટારી-વાઘા બૉર્ડર પર પૂર્ણમકુમાર શૉને સોંપ્યો એ પછી તે પોતાના સાથીઓ સાથે.
પૂર્ણમકુમાર શૉની ભારત વાપસી બાદ તેની પત્ની રજની શૉએ કહ્યું હતું કે ‘અમને ફોન આવ્યો કે ચિંતા કરશો નહીં, તમારા પતિ ભારત આવી ગયા છે અને તે એકદમ સ્વસ્થ છે ત્યારે અમે ખૂબ ખુશ હતા. મેં મારા પતિ સાથે પણ વાત કરી અને તે શારીરિક રીતે સ્વસ્થ છે. મમતા બૅનરજીએ મને કહ્યું હતું કે ચિંતા કરશો નહીં, તમારા પતિ આ અઠવાડિયે પાછા આવશે. તેમણે અમને ખૂબ મદદ પણ કરી. તેઓ સતત વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી રહ્યાં હતાં. આખો દેશ મારી સાથે ઊભો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં હોય તો બધું શક્ય છે. પહલગામ હુમલો બાવીસમી એપ્રિલે થયો હતો, પણ ઑપરેશન સિંદૂર દ્વારા તેમણે બદલો લીધો. મારા પતિને પણ તેઓ પાછા લાવ્યા. હું તેમનો ખૂબ-ખૂબ આભાર માનું છું.’

