ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને ઊજવવા ફાઇવસ્ટાર હોટેલમાં પાર્ટી કરનારી કૉક્રૉચ જનતા પાર્ટી પર BJPના આકરા પ્રહાર
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આંદોલન પાછું ખેંચનાર કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના અગ્રણી નેતાઓનો એક હોટેલમાં ડાન્સ અને ઉજવણી કરતો વિડિયો વાઇરલ થતાં નવો રાજકીય વિવાદ ઊભો થયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા આ વિડિયોને લઈને CJPના નેતૃત્વ પર તીખા પ્રહારો કરવામાં આવી રહ્યા છે.
વાઇરલ થયેલા વિડિયોમાં CJPના સ્થાપક અભિજિત દીપકે, મુખ્ય પ્રવક્તા સૌરવ દાસ, રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકા, અર્પિત શર્મા સહિત સંગઠનના અન્ય સભ્યો હોટેલમાં ડાન્સ કરીને વિજયની ઉજવણી કરતા જોવા મળે છે. વિડિયો સામે આવ્યા બાદ BJPના IT સેલના વડા અમિત માલવિયાએ પણ આ વિડિયો શૅર કરીને જણાવ્યું હતું કે ‘કોઈ આંદોલનને જ્યારે વિદ્યાર્થીઓના ન્યાયની લડાઈ તરીકે રજૂ કરવામાં આવે ત્યારે તરત જ આવી પાર્ટી અને ડાન્સનાં દૃશ્યો વિરોધાભાસ ઊભો કરે છે. આંદોલનમાં જોડાનારા નિર્દોષ વિદ્યાર્થીઓ હવે પોતે છેતરાયા હોવાનું અનુભવી રહ્યા છે.’
આ ઉપરાંત BJPના રાજ્યસભાના સંસદસભ્ય અને વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ આંદોલનના ફન્ડિંગ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘દિલ્હીમાં દિવસો સુધી હિંસા અને અશાંતિનો માહોલ રહ્યા બાદ આ કહેવાતા યુવા કાર્યકરો હોટેલમાં પાર્ટી કરી રહ્યા છે. આ સમગ્ર આંદોલન દરમ્યાન મુસાફરીનો, રહેવા-જમવાનો અને લૉજિસ્ટિક્સનો ખર્ચ કોણે ઉપાડ્યો? દિલ્હીને અશાંત રાખનારાઓને ફન્ડિંગ કોણે પૂરું પાડ્યું?’
