Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નક્સલવાદીઓ સામેની લડાઈ ઉગ્ર બનાવવા બીજેપી-કૉન્ગ્રેસનો એકમત

નક્સલવાદીઓ સામેની લડાઈ ઉગ્ર બનાવવા બીજેપી-કૉન્ગ્રેસનો એકમત

06 April, 2021 11:34 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમીક્ષા બેઠક બાદ અમિત શાહે કહ્યું, આ લડત બંધ નહીં થાય

શહીદ શંભુ રોય

શહીદ શંભુ રોય


ભલે અન્ય મામલે કેન્દ્રની બીજેપી અને છત્તીસગઢની કૉન્ગ્રેસ સરકાર વચ્ચે મતભેદ હોય, પણ નક્સલવાદીઓ સામે કાર્યવાહી મામલે એકમત વ્યકત કર્યો છે. યુનિયન હોમ મિનિસ્ટર અમિત શાહે ગઈ કાલે કહ્યું હતું કે ‘શનિવારે નક્સલવાદીઓ સાથે થયેલી સશસ્ત્ર અથડામણમાં ભલે સી.આર.પી.એફ.ના જવાનોએ બલિદાન આપ્યાં હોય, પણ હવે આ લડાઈને વધુ ઉગ્ર બનાવાશે.’

રાજ્યની ભૂપેશ સરકારે પણ આવો જ મત વ્યક્ત કર્યો હતો. છત્તીસગઢના બીજાપુર અને સુકમા જિલ્લાઓ વચ્ચેનાં જંગલોમાં નક્સલવાદીઓ સાથેની લડાઈમાં કુલ ૨૨ જવાનો માર્યા ગયા હતા. ગૃહપ્રધાનનો કારભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત રાજ્યની મુલાકાતે આવેલા અમિત શાહે બાગેલ સરકાર સાથેની સમીક્ષા બેઠકમાં કહ્યું હતું કે હું આ દેશને ખાતરી આપવા માગું છું કે આ લડત બંધ નહીં થાય, એને બદલે વધુ તીવ્રતા સાથે ચાલુ રહેશે. આ લડતમાં અમારો વિજય ચોક્કસ છે. મુખ્ય પ્રધાન બાગેલે કહ્યું હતું કે નક્સલવાદીઓનાં પ્રભાવિત ક્ષેત્રોમાં સુરક્ષા દળોનાં કૅમ્પ બનાવવા અમે કટિબદ્ધ છીએ.



શહીદ જવાનોના પરિવારને સહાય


આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાય. એસ. જગન મોહન રેડ્ડીએ આ ઘટનામાં માર્યા ગયેલા આંધ્ર પ્રદેશના બે જવાનોના પરિવારને ૩૦-૩૦ લાખ રૂપિયાની સહાય આપવાની ઘોષણા કરી હતી. આ અથડામણમાં રાઉથુ જગદીશ અને શાકામુરી મુરલી ક્રિષ્ના આ બે જવાનોનાં મોત થયાં હતાં.

 


શહીદ શંભુ રોયના આવતા વર્ષે લગ્ન થવાના હતા

રવિવારે છત્તીસગઢમાં માઓવાદી હુમલામાં શહીદ થયેલા જવાન સુરક્ષા કર્મચારીઓ પૈકીના ત્રિપુરાના શંભુ રોય તેમના પરિવારની એકમાત્ર કમાનાર વ્યક્તિ હતી અને છેલ્લાં બે સપ્તાહ કરતાં ઓછા સમય અગાઉ જ તેઓ તેમના ઘરે જઈને માતા-પિતા તથા પરિવારને મળ્યા હતા.

શંભુના મોટા ભાઈ દેબાશિષે મુલાકાતમાં કહ્યું હતું કે શંભુ ૧૨ દિવસ પહેલાં જ ઘરે આવ્યો હતો. આવતા વર્ષે અમે તેના લગ્ન કરાવવા માગતા હતા અને એ બાબતમાં અમે ચર્ચા પણ કરી હતી.

ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાના ૩૦ વર્ષના શંભુ રોયે ધર્મનગર ગવર્નમેન્ટ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું અને ત્યાર બાદ પાંચ વર્ષ અગાઉ તેઓ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)માં જોડાયા હતા.

શંભુ રોયના પિતા દીપક રોય પેઇન્ટર છે અને શંભુને સીઆરપીએફની નોકરી મળી તે અગાઉ તેમને બે ટંકનું ભોજન મેળવવામાં પણ મુશ્કેલી પડતી હતી.

ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લબ કુમાર દેબે સોશ્યલ મીડિયા પર ટ્વીટ કરી હતી, ‘ત્રિપુરા તેની ધરતીના પુત્ર, છત્તીસગઢમાં માઓવાદીઓ સામે લડતાં શહીદી વહોરનાર શ્રી શંભુ રોયજીની શાશ્વત હિંમત અને બલિદાનને સલામ કરે છે. ત્રિપુરાના ૩૭ લાખ નાગરિકો શોકના આ સમયમાં શ્રી શંભુ રોયજીના પરિવારના સંપૂર્ણ સમર્થનમાં તેમની પડખે છે.’

છત્તીસગઢમાં થયેલા નક્સલવાદીઓના હુમલામાં બાવીસ જવાન શહીદ થયા હતા અને શંભુ એમાંના એક હતા.

Whatsapp-channel Whatsapp-channel

06 April, 2021 11:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK