સ્ટેલ્થ ફ્રિગેટ INS તારાગિરિ પણ નૌકાદળમાં સામેલ
INS અરિદમન
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે વિશાખાપટનમમાં પરમાણુ સબમરીન ઇન્ડિયન નેવલ સર્વિસ (INS) અરિદમન અને સ્ટેલ્થ ફ્રિગેટ INS તારાગિરિને ગઈ કાલે રાષ્ટ્રને સમર્પિત કરી હતી. INS અરિદમન સ્વદેશી રીતે નિર્મિત પરમાણુ સંચાલિત બૅલિસ્ટિક મિસાઇલ સબમરીન છે. આ પહેલાં ભારતીય નૌકાદળમાં પરમાણુ વર્ગની બે સબમરીન INS અરિહંત અને INS અરિઘટ સામેલ છે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે વિશાખાપટનમમાં પરમાણુ સબમરીન INS અરિદમન અને સ્ટેલ્થ ફ્રિગેટ INS તારાગિરિ રાષ્ટ્રને સમર્પિત કરી છે. INS અરિદમન સમુદ્રમાં ઊંડા છુપાયેલા દુશ્મનોનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે INS તારાગિરી ઉચ્ચ ગતિ અને આધુનિક શસ્ત્રોથી સપાટી પર દુશ્મનો પર હુમલો કરવા માટે સજ્જ છે. પરમાણુ સંચાલિત સબમરીન ધરાવતા દેશો બહુ ઓછા છે જેમાં અમેરિકા, રશિયા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને ચીન સાથે ભારતનો પણ સમાવેશ થાય છે.
ભારતની પહેલી સ્વદેશી પરમાણુ સબમરીન INS અરિહંત જુલાઈ ૨૦૦૯માં લૉન્ચ કરવામાં આવી હતી અને ૨૦૧૬માં કમિશન કરવામાં આવી હતી. નૌકાદળે ઑગસ્ટ ૨૦૨૪માં એની બીજી સ્વદેશી સબમરીન INS અરિઘટ સામેલ કરી હતી.
